સમાજમાં એવા લોકો પણ જરૂરી, જે સરકાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવેઃ નીતિન ગડકરીનું ચોંકાવનારૂ નિવેદન

July 14, 2025

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, સમાજમાં અમુક એવા લોકો પણ હોવા જોઈએ, જે સરકાર વિરૂદ્ધ ફરિયાદ કરી શકે, કોર્ટના દરવાજા ખટખટાવી શકે. નાગપુરમાં દિવંગત પ્રકાશ દેશપાંડે સ્મૃતિ કુશલ સંગઠન પુરસ્કાર સમારોહમાં ગડકરીએ આ નિવેદન આપ્યું હતું. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, લોક વહીવટીતંત્રમાં શિસ્તતા જાળવવી જરૂરી છે. કોઈપણ ભૂલ પર કોર્ટના દરવાજા ખટખટાવવા જોઈએ. કોર્ટના માધ્યમથી વહીવટીતંત્રમાં શિસ્તનું પાલન થઈ શકે છે. સમાજમાં અમુક એવા લોકો હોવા જ જોઈએ, જે સરકાર વિરૂદ્ધ કોર્ટમાં જઈને ફરિયાદ કરી શકે. વધુમાં ગડકરીએ કહ્યું કે, આ પ્રકારનું વલણ નેતાને શિસ્તમાં રહેવાની ફરજ પાડે છે. ઘણીવાર સરકારમાં રહેલાં મંત્રીઓ ઘણા કામ કરતા નથી, પરંતુ કોર્ટના આદેશ પર તેઓને તે કામ કરવા ફરજ પાડી શકાય. ઘણીવખત પ્રજાને આકર્ષવા માટે રાજકારણીઓ અને મંત્રીઓ જનહિતમાં પગલાં લેતાં નથી. આવા કિસ્સામાં પણ કોર્ટની મદદથી તેઓને તે કામ કરવા ફરજ પાડી શકાય. એવા ઘણા લોકો છે, જેમણે સરકાર વિરૂદ્ધ અનેક કિસ્સામાં ફરિયાદ નોંધાવી હતી. વહીવટીતંત્રમાં શિસ્તતા જાળવી રાખવા આ પગલું જરૂરી છે. ગડકરીએ આ નિવેદન કુશલ સંગઠકોના સન્માન દરમિયાન આપ્યું હતું. આ કુશલ સંગઠકોએ  અનેક કાયદાકીય લડાઈ લડી છે. કુશલ સંગઠકોએ હંમેશા સરકારના ખોટા નિર્ણયો વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો છે. તેઓએ શિક્ષણ ક્ષેત્રે સરકાર વિરૂદ્દ અનેક કેસો નોંધાવ્યા હતાં. તેમજ ઘણા કિસ્સામાં સરકારને ઝૂકવા મજબૂર કરી હતી. પત્રકાર અને કોંગ્રેસ નેતા દિવંગત પ્રકાશ દેશપાંડેના સન્માનમાં આ પુરસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે. જે સામાજિક કાર્યો, પત્રકારત્વ જેવા ક્ષેત્રોમાં ઉમદા કામગીરી માટે આપવામાં આવ્યો હતો.