યુપીના સીએમ યોગી પર બની ફિલ્મ, વિવાદ થતાં મામલો હાઈકોર્ટ પહોંચ્યો

August 23, 2025

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જીવન પર બનેલી ફિલ્મની રિલીઝનો મામલો હાઈકોર્ટ પહોંચ્યો છે. ફિલ્મ નિર્માતાએ બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું છે કે, 'સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) જાણી જોઈને ફિલ્મને સર્ટિફિકટ આપવામાં વિલંબ કરી રહ્યું છે.' આ મામલે હાઈકોર્ટે કહ્યું કે કોઈ પણ આદેશ જાહેર કરતા પહેલા જજ પોતે આ ફિલ્મ જોશે. આ ફિલ્મનું નામ 'અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી' છે અને 25 ઓગસ્ટે આ મામલે ફરી સુનાવણી થશે.

આ ફિલ્મને સમ્રાટ સિનેમેટિક્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા બનાવવામાં આવી છે. તેમનું કહેવું છે કે આ ફિલ્મ શાંતનુ ગુપ્તાની પુસ્તક 'ધ મૉન્ક વુ બિકેમ ચીફ મિનિસ્ટર' પર આધારિત છે. સીએમ યોગીના કાર્યાલયને પણ આ ફિલ્મ સામે કોઈ વાંધો નથી. પ્રોડ્યુસરે અરજીમાં જણાવ્યું કે આ ફિલ્મનો હેતુ માત્ર એક રાજનેતાનું જીવન દર્શાવવાનો નથી, પરંતુ યુવાનોને એકતા અને અખંડિતતા માટે પ્રેરણા આપવાનો પણ છે.