અમદાવાદમાં HMPV વાઇરસનો પહેલો કેસ, માહિતી છુપાવનારી હૉસ્પિટલને નોટિસ

January 06, 2025

વાઇરસ ડિટેક્ટ થયો છતાં હૉસ્પિટલને તંત્રને જાણ ન કરી
અમદાવાદ : અમદાવાદમાં ચીનના HMPV વાઇરસનો પ્રથમ કેસ સામે આવ્યા બાદ શહેરની હૉસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. મળતાં અહેવાલો મુજબ શહેરમાં હ્યુમન મેટાન્યૂમો વાઇરસનો (HMPV) શંકાસ્પદ કેસ નોંધાતા ખળભળાટ મચ્યો હોવા છતાં ચાંદખેડા વિસ્તારમાં આવેલી ઓરેન્જ હૉસ્પિટલે AMC સહિતના તંત્રને અંધારામાં રાખી બેદરકારી દાખવી છે.

અમદાવાદ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા હૉસ્પિટલને નોટિસ ફટકારાઈ છે. હૉસ્પિટલમાં દાખલ બે મહિનાના બાળકને વાઇરસ ડિટેક્ટ થયો હોવા છતાં હૉસ્પિટલે AMCને જાણ કરી ન હતી. જેથી AMC હેલ્થ વિભાગને હૉસ્પિટલ પર કાર્યવાહી કેમ ન કરવી અને માહિતી છુપાવવા બદલ નોટિસ આપી જવાબ માંગ્યો છે. 


વાસ્તવમાં રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાંથી આવેલા જૈન પરિવારે 24 ડિસેમ્બરના રોજ બાળકને સારવાર માટે ઓરેન્જ હૉસ્પિટલમાં લાવ્યા હતા. ડૉક્ટરો દ્વારા તપાસ બાદ રિપોર્ટ કરાયા હતા અને 26 ડિસેમ્બરે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરંતુ હૉસ્પિટલ દ્વારા અમદાવાદ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ અને સરકારને કોઈ માહિતી આપવામાં આવી ન હતી, જેથી મહાનગર પાલિકા દ્વારા હૉસ્પિટલને નોટિસ ફટકારાઈ છે.હાલ બાળકની સ્થિતિ સારી છે. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ‘આ બાળકને 24 ડિસેમ્બરે દાખલ કરાયું હતું. 26 ડિસેમ્બરે તેનો રિપોર્ટ આવ્યો હતો, પરંતુ આ અંગે હૉસ્પિટલે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનને જાણ જ નહોતી કરી. તેથી હવે હૉસ્પિટલ સામે પગલાં લેવામાં આવ્યા છે.