ગુજરાતમાં ખાનગી સ્કૂલોમાં 7500ની સહાય મેળવવામાં ગેરરીતિ બહાર આવતાં જ સરકારે સહાય બંધ કરી

October 27, 2023

સરકાર દ્વારા છેલ્લા 10 વર્ષથી સ્વ નિર્ભર શાળાઓને વિદ્યાર્થી દીઠ 7500 રૂપિયા અપાતા હતા

મોટાભાગની શાળાઓમાં યોગ્ય ઉપયોગ થતો નહીં હોવાની ફરિયાદ કેટલાક ધારાસભ્યોએ પણ કરી હતી

અમદાવાદઃ શિક્ષણ વિભાગે કેટલીક સેલ્ફ ફાયનાન્સ નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓની અનિયમિતતા બહાર આવતા  સરકાર દ્વારા અપાતી પ્રોત્સાહક આર્થિક સહાય બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. શિક્ષણની ગુણવત્તા સુધારવા,સ્ટાફની લાયકાત સહિત અન્ય પ્રવૃતિઓમાં પણ સુધારો થાય તે માટે વિદ્યાર્થી દીઠ 7500 રૂપિયાની સહાયખાનગી નોન ગ્રાન્ટેડ શાળાઓને અપાતી હતી.તેમાં ધારાસભ્યો અને શિક્ષણ ક્ષેત્રના પણ કેટલાક લોકોની રજૂઆત મળતા સરકારને તેમાં તથ્ય લાગતા શાળાઓને હવે પછી આ રકમ અપાશે નહીં. 


શિક્ષણ વિભાગે અનુદાન વિના ચાલતી બિન સરકારી માધ્યમિક શાળાઓ માટે આ નિર્ણય લીધો છે. જેમાં શિક્ષણનું સ્તર સુધારવાના હેતુથી સરકાર દ્વારા છેલ્લા 10 વર્ષથી સ્વ નિર્ભર શાળાઓને વિદ્યાર્થી દીઠ 7500 રૂપિયા અપાતા હતા. સમયાંતરે તેના નિયમોમાં વિભાગે સુધારા પણ કર્યા હતા. શાળા કમિશનરની કચેરી દ્વારા પ્રોત્સાહનરૂપે અપાતી સરકારની સહાયના ઉપયોગ અંગે શાળાઓની તપાસ કરી હતી. જેમાં અનિયમિતતા બહાર આવી હતી. તે પછી જુન-2020માં જ આ કચેરી દ્વારા માધ્યમિક શાળાઓની પ્રોત્સાહક આર્થિક સહાય બંધ કરવાનો અભિપ્રાય આપ્યો હતો. છેવટે ત્રણ વર્ષ પછી વિચારણા કરીને સરકારે તેને બંધ કરવાનો હવે નિર્ણય લીધો છે.