ભારતીય વાયુસેના 8 મે સુધી UAEમાં યુદ્ધાભ્યાસ કરશે, અનેક દેશો થશે સામેલ

April 21, 2025

ભારતીય વાયુસેનાની એક ટીમ રવિવારે સંયુક્ત આરબ અમીરાત (UAE)ના અલ ધફરા એર બેઝ પર પહોંચી છે. વાયુસેનાની આ ટીમ અહીં બહુરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય હવાઈ યુદ્ધાભ્યાસ 'ડેઝર્ટ ફ્લેગ-10'માં ભાગ લેશે. ભારત અને યુએઈની સાથે ફ્રાન્સ, જર્મની, બ્રિટન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બહેરીન, કતાર, દક્ષિણ કોરિયા અને તુર્કી જેવા દેશો પણ આમાં સામેલ છે.

સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ ભારતીય વાયુસેનાના મિગ-29 અને જગુઆર વિમાનો આ યુદ્ધાભ્યાસમાં ભાગ લઈ રહ્યા છે. આ યુદ્ધાભ્યાસ 21 એપ્રિલથી 8 મે સુધી યોજાશે. આ યુદ્ધાભ્યાસનો ઉદ્દેશ્ય વિશ્વના કેટલાક સૌથી સક્ષમ વાયુસેનાઓ સાથે ઓપરેશનલ નોલેજ શેર કરવાનો છે. આ ઉપરાંત, વાયુસેના સંબંધિત શ્રેષ્ઠ પ્રથાઓના આદાનપ્રદાનની સાથે જટીલ અને વૈવિધ્યસભર લડાઈ મિશન હાથ ધરવામાં આવશે.

મંત્રાલયનું કહેવું છે કે આવા યુદ્ધાભ્યાસમાં ભાગ લેવાથી પરસ્પર સમજણ અને કાર્યક્ષમતા વધે છે. તે જ સમયે, લશ્કરી સહયોગ વધુ મજબૂત બને છે. ભારતીય વાયુસેનાની ભાગીદારી મિત્ર દેશો સાથે સંરક્ષણ સંબંધો અને કાર્યક્ષમતાને મજબૂત બનાવવાની ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.