ભારતીય સેનાએ 23 જ મિનિટમાં દુશ્મનોનો ખાત્મો કરી દીધો : રાજનાથ સિંહ

May 16, 2025

ભૂજ : ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શુક્રવારે ભુજ એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને ઓપરેશન સિંદૂરની સફળતા બદલ વાયુસેનાના યોદ્ધાઓને અભિનંદન પાઠવ્યા હતા. સંરક્ષણ મંત્રીએ પોતાના ભાષણમાં પાકિસ્તાન પર કટાક્ષ કરતા કહ્યું કે 'લોકોને નાસ્તો કરવામાં જેટલો સમય લાગે છે, એટલા સમયમાં તમે દુશ્મનોનો ખાત્મો કરી દીધો. ઓપરેશન સિંદૂર દરમિયાન તમે જે કંઈ કર્યું તેનાથી બધા ભારતીયોને ગર્વ છે, પછી ભલે તેઓ ભારતમાં હોય કે વિદેશમાં. ભારતીય વાયુસેના માટે પાકિસ્તાનમાં વધી રહેલા આતંકવાદને કચડી નાખવા માટે માત્ર 23 મિનિટ પૂરતી હતી. લોકોને નાસ્તો કરવામાં જેટલો સમય લાગે છે, એટલામાં તમે તમારા દુશ્મનોનો નાશ કરી દીધો.’


ભૂજ એર બેઝ પર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, 'ગઈકાલે જ હું શ્રીનગરમાં આપણા બહાદુર સેનાના જવાનોને મળ્યો. આજે હું અહીં વાયુસેનાના સૈનિકોને મળી રહ્યો છું. ગઈકાલે હું ઉત્તરીય ક્ષેત્રમાં આપણા સૈનિકોને મળ્યો હતો અને આજે હું દેશના પશ્ચિમ ભાગમાં વાયુસેનાના સૈનિકો અને અન્ય સુરક્ષા કર્મચારીઓને મળી રહ્યો છું. બંને મોરચે ઉત્સાહ અને ઊર્જાનો માહોલ જોઈને હું ખૂબ જ ઉત્સાહિત છું. મને વિશ્વાસ છે કે તમે ભારતની સરહદોને સુરક્ષિત રાખશો.  આ દરમિયાન સંરક્ષણ મંત્રીએ બશીર બદ્રના એક શેર દ્વારા પાકિસ્તાનને સલાહ પણ આપી. તેમણે કહ્યું કે, 'કાગજ કા હૈ લિબાસ ચરાગો કા શહેર હૈ, સંભલ-સંભલ કે ચલના ક્યોંકિ તુમ નશે મેં હો.' રાજનાથ સિંહે કહ્યું કે 'ઓપરેશન સિંદૂર'માં ભારતીય વાયુસેના દ્વારા ભજવવામાં આવેલી અસરકારક ભૂમિકાની માત્ર આ દેશમાં જ નહીં પરંતુ બીજા દેશોમાં પણ પ્રશંસા થઈ રહી છે.