દુષ્કર્મીઓનું એન્કાઉન્ટર કરી દેવું જોઈએ....', ભાજપ કોર્પોરેટર આશિષ જોશીની પોસ્ટ વાયરલ

October 13, 2024

વડોદરા : ગુજરાતમાં નવરાત્રિના પર્વ વચ્ચે દીકરીઓ સાથે દુષ્કર્મ અને ગેંગરેપની ઘટનાઓ બની હતી. જેમાં એક ઘટના વડોદરા જિલ્લાના ભાયલીમાં બની હતી. જે અંગે ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને ડભોઈના ધારાસભ્ય શૈલેશ મહેતા (સોટ્ટા) એ માગ કરી હતી કે, ગેંગરેપની ઘટનાના આરોપીઓનું એન્કાઉન્ટર કરી દેવું જોઈએ. ત્યારે હવે વડોદરાના વોર્ડ નંબર 15ના ભાજપના કોર્પોરેટર આશિષ જોશીની સોશિયલ મીડિયા પર કરેલી એક પોસ્ટ વાયરલ થઈ છે. જેમાં તેમણે દુષ્કર્મીઓને ગંભીર સજા કરવાની વાત કરનારાઓએ પહેલા પોતાના ગુના કબૂલવા જોઈએ પછી સલાહ આપવી જોઈએ તેવી વાત કરી છે. ત્યારે આ પોસ્ટને ધારાસભ્યના નિવેદન પર અપાયેલા વળતા જવાબ તરીકે જોવામાં આવી રહી છે. જેને લઈને વડોદરા ભાજપનો આંતરિક વિખવાદ સામે આવતો નજરે પડી રહ્યો છે.


અગાઉ પણ વડોદરા ભાજપના નેતાઓ વચ્ચેની ખેંચતાણ સામે આવી ચૂકી છે. ત્યારે વધુ એક વખત વડોદરા ભાજપમાં નવો વિખવાદ સામે આવ્યો છે. વડોદરા ભાજપમાં આંતરિક વિખવાદનું ચિત્ર ઉપસી આવ્યું છે. કારણ કે થોડા દિવસ અગાઉ ધારાસભ્ય શૈલેષ મહેતાએ દુષ્કર્મના આરોપીઓને ફાંસી અને એન્કાઉન્ટ કરવા અંગેનું નિવેદન આપ્યું હતું. ત્યારે હવે તેની સામે ભાજપના જ કોર્પોરેટરે કંઈક એવી પોસ્ટ કરી છે કે જેના કારણે રાજનેતાઓમાં તે ચર્ચાનો વિષય બન્યો છે. શૈલેષ મહેતાના નિવેદનના ગણતરીના કલાકોમાં જ શૈલેષ મહેતાના જ અંગત કહેવાતા ભાજપ કોર્પોરેટર આશિષ જોશીએ સોશિયલ મીડિયા પર આડકતરી રીતે ધારાસભ્યને ટોણો મારતી પોસ્ટ કરી હતી. ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા અને ભાજપના કોર્પોરેટર આશિષ જોશી ખુબ નજીકના હતા. તેમણે બંનેએ એકબીજા સાથે લાંબા સમય સુધી કામ કર્યું છે. જોકે કોઈક કારણોસર બંને વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી છે. જે અત્યાર સુધી અમૂક લોકો જ જાણતા હતા. જોકે કોર્પોરેટરની આ પોસ્ટ બાદ આંતરિક વિખવાદ ખુલીને સામે આવ્યો છે.