ઈઝરાયલ પર લેબનોનથી મિસાઈલ છોડવામાં આવી, કેરળના યુવકનું મોત, 2 ગંભીર

March 05, 2024

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પાંચ મહિનાથી કરતા પણ વધારે સમય વીતી ગયો છે. અત્યાર સુધી બંને પક્ષો વચ્ચે યુદ્ધવિરામના પ્રયાસો સતત નિષ્ફળ રહ્યા છે. આ વચ્ચે ઇઝરાયલ ગાઝા પટ્ટીમાં હમાસ અને લેબનોનથી હિઝબુલ્લાહના હુમલાઓનો પણ સામનો કરી રહ્યું છે. મંગળવારે આવા જ એક હુમલામાં એક ભારતીયનું મોત થયું હતું. જ્યારે બે ભારતીયો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

એક સમાચાર એજન્સીએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે, લેબનોનથી છોડવામાં આવેલી મિસાઈલ ઈઝરાયેલના ઉત્તરીય સરહદી સમુદાય માર્ગલિયોટ નજીકના બગીચામાં પડતા કેરળના એક ભારતીય નાગરિકનું મોત થયું હતું અને અન્ય બે ભારતીયો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઇઝરાયલની રેસ્ક્યૂ સર્વિસના પ્રવક્તા મેઝેન ડેવિડ એડોમે જણાવ્યું હતું કે આ ઘટના સોમવારે સવારે 11 વાગ્યે ગાલીલી ક્ષેત્રમાં માર્ગલિયોટ ગાર્ડનમાં બની હતી.