17 વર્ષ બાદ ડાર્ક પ્રિન્સની વાપસીથી બાંગ્લાદેશના રાજકારણમાં ભૂકંપ! ભારત માટે ખતરાની ઘંટી?

December 25, 2025

બાંગ્લાદેશના રાજકારણના શક્તિશાળી નેતા અને પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાન આજે (25મી ડિસેમ્બર) લંડનથી ઢાકા પરત ફર્યાં છે. 17 વર્ષના લાંબા દેશનિકાલ બાદ તેમની આ વાપસી એવા સમયે થઈ છે જ્યારે બાંગ્લાદેશ ફેબ્રુઆરી 2026માં યોજાનારી સામાન્ય ચૂંટણીઓની તૈયારી કરી રહ્યું છે. તારિકની હાજરીથી વચગાળાની મોહમ્મદ યુનુસ સરકાર અને પડોશી દેશ ભારત માટે નવા રાજકીય સમીકરણો રચાય તેવી શક્યતા છે. અહેવાલો અનુસાર, તારિક રહેમાનના આગમન માટે ઢાકાના હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. સુરક્ષાના કારણોસર એરપોર્ટ પર સામાન્ય લોકોના પ્રવેશ પર સાંજે 6 વાગ્યા સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. યુનુસ સરકારે તારિક રહેમાનને VIP સુરક્ષા (SSF) પૂરી પાડી છે. એરપોર્ટ પર SWAT ટીમો તહેનાત કરાઈ હતી અને તેમના માટે ખાસ બુલેટપ્રૂફ વાહનની વ્યવસ્થા કરવામાં આવી હતી. તારિક રહેમાન BNPના સ્થાપક અને પૂર્વ રાષ્ટ્રપતિ ઝિયાઉર રહેમાન તથા ખાલિદા ઝિયાના મોટા પુત્ર છે. વર્ષમાં 2008માં ભ્રષ્ટાચારના અનેક આરોપો અને હસીના સરકારના દબાણ વચ્ચે તેઓ તબીબી સારવારના બહાને લંડન ગયા હતા અને ત્યારથી ત્યાં જ હતા. શેખ હસીનાના સત્તા પલટા બાદ બાંગ્લાદેશની અદાલતોએ તેને મોટાભાગના કેસોમાં નિર્દોષ જાહેર કર્યા છે, જેનાથી તેમની રાજકીય વાપસીનો માર્ગ મોકળો થયો છે. હાલ તારિક રહેમાન બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના કાર્યકારી અધ્યક્ષ છે. બાંગ્લાદેશમાં તેમના માતા ખાલિદા ઝિયાના શાસનકાળ (2001-2006)માં સત્તાના દુરુપયોગ અને મોટા પાયે ભ્રષ્ટાચારના આરોપોને કારણે તેઓ 'ડાર્ક પ્રિન્સ' તરીકે કુખ્યાત થયા હતા. વર્ષ 2005માં અમેરિકન રાજદ્વારી જુડિથ ચમ્માસે તારિક રહેમાનને એક ગુપ્ત કેબલમાં 'ડાર્ક પ્રિન્સ' તરીકે સંબોધ્યા હતા. ત્યારબાદ 2008માં તત્કાલીન અમેરિકન રાજદૂત જેમ્સ મોરિયાર્ટીએ તેમને 'ક્લેપ્ટોક્રેસી (ચોરશાહી) ના પ્રતીક' કહીને કાયદાના શાસન માટે જોખમી નેતા ગણાવ્યા હતા. આ સિવાય 'પ્રિન્સ' શબ્દ તારિક રહેમાનનો રાજકીય વારસો પણ દર્શાવે છે. બાંગ્લાદેશના પૂર્વ રાષ્ટ્રપતિ ઝિયાઉર રહેમાન અને પૂર્વ વડાંપ્રધાન ખાલિદા ઝિયાના પુત્ર હોવાથી તેમને વ્યંગમાં BNPના 'રાજકુમાર' કહેવામાં આવે છે.