બાંગ્લાદેશમાં સ્થિતિ બેકાબૂ, હાદી બાદ વધુ એક યુવા નેતાને ગોળી ધરબી દેવાઈ, હાલત ગંભીર

December 22, 2025

બાંગ્લાદેશમાં રાજકીય હિંસાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં જ નેતા શરીફ ઉસ્માન હાદીના મોત બાદ ભડકેલી હિંસા હજુ શાંત પણ નથી થઈ, ત્યાં હવે ખુલના શહેરમાં વધુ એક યુવા નેતા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. નેશનલ સિટિઝન્સ પાર્ટી (NCP)ના કેન્દ્રીય શ્રમિક સંગઠનના નેતા મોહમ્મદ મોતાલેબ સિકંદરને સોમવારે અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી દીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ હુમલો ખુલના શહેરના ગાઝી મેડિકલ કોલેજ હોસ્પિટલ પાસે થયો હતો. હુમલાખોરોએ મોતાલેબ સિકદરના માથાને નિશાન બનાવીને ગોળી ચલાવી હતી, જે તેમના કાન પાસેથી પસાર થઈ ગઈ હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા મોતાલેબને તાત્કાલિક ખુલના મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, ડોક્ટરોના જણાવ્યા મુજબ, ગોળી ત્વચાને ભેદીને બીજી બાજુથી નીકળી ગઈ હોવાથી હાલત ગંભીર છે.  NCPના ખુલના મહાનગરપાલિકાના આયોજક સૈફ નવાઝે જણાવ્યું કે, મોતાલેબ સિકદર NCPના શ્રમિક સંગઠન 'જાતીય શ્રમિક શક્તિ'ના કેન્દ્રીય આયોજક અને ખુલના ડિવિઝનના સંયોજક હતા. તેમની પાર્ટી આગામી દિવસોમાં ખુલનામાં એક મોટી શ્રમિક રેલીનું આયોજન કરવાની હતી અને મોતાલેબ સિકદર તેની જ તૈયારીઓમાં વ્યસ્ત હતા. આ હુમલાને રાજકીય અદાવત સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે.