શેરબજારમાં હાહાકાર, રોકાણકારોના 14 લાખ કરોડ ધોવાયા

March 13, 2024

મુંબઈ  : શેરબજારમાં આજે, એટલે કે 13મી માર્ચે મોટો ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 906 પોઈન્ટના ઘટાડા સાથે 72,761 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 338 પોઈન્ટ તૂટ્યો હતો. 21,997ના સ્તરે બંધ રહ્યો હતો.

સ્મોલકેપ અને મિડકેપ ઈન્ડેક્સમાં પણ આજે ઘટાડો જોવા મળ્યો હતો. સ્મોલકેપ ઈન્ડેક્સ 2,189 પોઈન્ટ (5.11%) ઘટીને 40,641 પર બંધ થયો હતો, જ્યારે મિડકેપ 1,646 પોઈન્ટ (4.20%) ઘટ્યો હતો. 37,591ના સ્તરે બંધ રહ્યો હતો.

સેન્સેક્સના 30 શેરમાંથી 23માં ઘટાડો જોવા મળ્યો હતો અને માત્ર 7માં વધારો જોવા મળ્યો હતો. જેટ એરવેઝના શેરમાં આજે સતત બીજા દિવસે 5%ની ઉપલી સર્કિટ લાગી હતી. એ રૂ. 2.15 (5.00%) વધીને રૂ. 45.20 પર બંધ થયો હતો.

શેરબજારનું માર્કેટકેપ ગઈ કાલે રૂ. 385.64 લાખ કરોડ હતું, જે હવે ઘટીને રૂ. 371.69 લાખ કરોડ થયું છે, એટલે કે માર્કેટકેપમાં ₹14 લાખ કરોડનો ઘટાડો થયો છે.

છેલ્લા 5 દિવસમાં BSE સ્મોલકેપ ઈન્ડેક્સ 7%થી વધુ ઘટ્યો છે. માર્કેટ રેગ્યુલેટર સેબીના ચેરપર્સનના નિવેદન બાદ મિડ-કેપ અને સ્મોલ-કેપ ઇન્ડેક્સમાં દબાણ જોવા મળી રહ્યું છે. સેબીના વડાએ નાની અને મધ્યમ કદની કંપનીઓના શેરના ઊંચા મૂલ્યાંકન અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

તેમણે કહ્યું હતું- 'કેટલાક લોકો એને બબલ કહી રહ્યા છે. આ પરપોટાને મોટો થવા દેવો એ યોગ્ય નથી. જો તે નિર્માણ કરવાનું ચાલુ રાખશે અને જ્યારે એ ફૂટશે તો એ રોકાણકારોને અસર કરશે. આ યોગ્ય બાબત નથી. આ કંપનીઓના વેલ્યુએશન ફંડામેન્ટલ્સને ટેકો આપતા નથી.

જેજી કેમિકલ્સનું શેરબજારમાં ખરાબ લિસ્ટિંગ થયું છે. એ NSE પર 5.43%ના ડિસ્કાઉન્ટ સાથે રૂ. 209 પ્રતિ શેર પર લિસ્ટેડ છે. એ BSE પર 4.52%ના ડિસ્કાઉન્ટ સાથે રૂ. 211 પર લિસ્ટેડ છે, જ્યારે IPOની કિંમત રૂ. 221 હતી.

આ પહેલાં ગઈકાલે એટલે કે 12 માર્ચે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 165 પોઈન્ટના વધારા સાથે 73,667 પર બંધ રહ્યો હતો. નિફ્ટીમાં પણ 3 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. 22,335ના સ્તરે બંધ રહ્યો હતો.