સેન્સેક્સ 929 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીએ ટેકાની સપાટી ગુમાવી

April 15, 2024

શેરબજારે સપ્તાહની શરૂઆત મોટા કડાકા સાથે કરી છે. સેન્સેક્સ આજે 929.74 પોઈન્ટ તૂટી 73315.16 થયો હતો. જ્યારે નિફ્ટી50એ મહત્વની 22500ની ટેકાની સપાટી ગુમાવી છે. 10.20 વાગ્યે 149.40 પોઈન્ટ ઘટાડે 22370 પર અને સેન્સેક્સ 497.05 પોઈન્ટ તૂટી 73747.85 પર ટ્રેડ થઈ રહ્યો છે.

શેરબજારમાં કરેક્શનના માહોલ વચ્ચે રોકાણકારોની મૂડી 3.63 લાખ કરોડ ઘટી છે. સ્મોલકેપ અને મીડકેપ શેરોમાં મોટાપાયે વેચવાલી જોવા મળી છે. એફએમસીજી, બેન્કિંગ, ફાઈનાન્સિયલ સર્વિસિઝ, સ્મોલકેપ, મીડકેપ, આઈપીઓ ઈન્ડેક્સ 1.50 ટકા સુધી ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. આઈટી અને ટેક્નો શેરોમાં પણ પ્રોફિટ બુકિંગ વધ્યુ છે.

એનર્જી, મેટલ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટોરલ ઈન્ડેક્સ સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. એનર્જી સેગમેન્ટમાં 11 સ્ક્રિપ્સ સુધારા સાથે જ્યારે 19 સ્ક્રિપ્સ ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યા છે. મેટલ શેરોમાં 3 ટકા સુધી સુધારો જોવા મળ્યો છે. 117 સ્ક્રિપ્સ વર્ષની ટોચે અને 24 સ્ક્રિપ્સ વર્ષના તળિયે પહોંચ્યા છે. 372 જેટલા શેરોમાં લોઅર સર્કિટ વાગી છે.

સપ્તાહના અંતમાં શરૂ થનારી લોકસભા ચૂંટણી અને ચોથા ત્રિમાસિકના પરિણામો જારી કરવાની સિઝન વચ્ચે આગામી થોડા સમય માર્કેટ કોન્સોલિડેશનમાં ટ્રેડ કરે તેવો આશાવાદ નિષ્ણાતો આપી રહ્યા છે.

વૈશ્વિક સ્તરે ઈરાન અને ઈઝરાયલના વધતા તણાવના પગલે એશિયા-પેસિફિક એક્સચેન્જીસ ડાઉન ટ્રેન્ડમાં ટ્રેડ થઈ રહ્યા હતા. ઈરાને ઈઝરાયલ વિરૂદ્ધ 300થી વધુ મિસાઈલ લોન્ચ કરી છે. જાપાનનો નિક્કેઈ 225 પોઈન્ટ (1 ટકા), ઓસ્ટ્રેલિયા એસએન્ડપી 200 ઈન્ડેક્સ 0.6 ટકા અને દક્ષિણ કોરિયન કોસ્પી 1 ટકા ઘટ્યો હતો. 

કોમોડિટી ક્ષેત્રે ક્રૂડ ઓઈલના ભાવોમાં નજીવો સુધારો જોવા મળ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ 90 ડોલર પ્રતિ બેરલ અન ડબ્લ્યૂટીઆઈ ક્રૂડ 85 ડોલર પ્રતિ બેરલ પર ક્વોટ થઈ રહ્યું હતું.