સેન્સેક્સ અને નિફ્ટી નજીવા સુધારા સાથે બંધ

April 23, 2024

ભારતીય શેરબજારોએ સતત ત્રીજા દિવસે સુધારા સાથે બંધ આપી રોકાણકારોને રાહત આપી છે. સેન્સેક્સ 89.83 પોઈન્ટ અને નિફ્ટી 31.60 પોઈન્ટના સુધારા સાથે સેન્સેક્સ 73738.45 અને નિફ્ટી 22368 પર બંધ રહ્યો હતો. શેરોમાં લેવાલીનું પ્રમાણ વધતાં રોકાણકારોની મૂડી રૂ. 1.81 લાખ કરોડ વધી છે.

સેન્સેક્સે આજે ઈન્ટ્રા ડે છ ટ્રેડિંગ સેશન બાદ ફરી પાછી 74 હજારનું લેવલ ક્રોસ કર્યું હતું. રિયાલ્ટી અને ટેલિકોમ્યુનિકેશન્સ શેરોમાં આક્રમક ઉછાળો નોંધાયો છે. સ્મોલકેપ ઈન્ડેક્સ 484 પોઈન્ટ અને મીડકેપ ઈન્ડેક્સ 209.32 પોઈન્ટ સુધર્યો હતો. S&P Telecommunication અને S&P Realty ઈન્ડેક્સ અનુક્રમે 4.27 ટકા અને 2.42 ટકા ઉછાળ્યા છે.

ઈન્ડિયા VIX ઈન્ડેક્સ (ઈન્ડિયા વોલેટિલિટી ઈન્ડેક્સ) આજે 20 ટકા તૂટ્યો છે. જે શેરબજાર માટે પોઝિટીવ વલણનો સંકેત આપે છે. ઈન્ડિયા VIXમાં ઘટાડો માર્કેટમાં વોલેટિલિટી ઘટાડી તેજી તરફી વલણ દર્શાવે છે, જ્યારે ઈન્ડિયા VIXમાં વધારો માર્કેટમાં ભય પેદા કરે છે. અગાઉ બે લોકસભા ચૂંટણીમાં પણ 23-5-2019ના રોજ 30 ટકા અને 16-5-2014માં 34 ટકા તૂટ્યો હતો.

 
બીએસઈ ખાતે ટ્રેડેડ કુલ 3934 સ્ક્રિપ્સમાંથી 2338 સ્ક્રિપ્સમાં સુધારો અને 1475 ઘટાડો થયો હતો. 257 સ્ક્રિપ્સ વર્ષની ટોચે અને 9 સ્ક્રિપ્સ વર્ષના તળિયે પહોંચી હતી. બીએસઈ સેન્સેક્સ પેકની 30 સ્ક્રિપ્સ પૈકી 18માં સુધારો અને 12માં ઘટાડો નોંધાયો હતો. જે માર્કેટ બ્રેડ્થ પોઝિટીવ દર્શાવે છે.

એફએમસીજી, આઈટી, પાવર, રિયાલ્ટી, ટેલિકોમ શેરોમાં સૌથી વધુ તેજી અને બીજી બાજુ ફાર્મા, મેટલ, ઓઈલ એન્ડ ગેસ તથા એનર્જી ઈન્ડેક્સ 0.3 ટકાથી 0.8 ટકા તૂટ્યો હતો.