સેન્સેક્સ-નિફ્ટીમાં સતત ત્રીજા દિવસે પણ કડાકો, રોકાણકારોની ચિંતા વધી

April 16, 2024

પશ્ચિમ એશિયામાં વધતા રાજકીય તણાવ વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી સતત ત્રીજા દિવસે ઘટ્યા છે. આજે સેન્સેક્સ આજે 72892.14ના સ્તરે ખૂલ્યા બાદ ઘટી 72814.15ની બોટમે પહોંચ્યો હતો. 10.27 વાગ્યે સેન્સેક્સ 394.79 પોઈન્ટના ઘટાડા સાથે 73001 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી50 89.80 પોઈન્ટ તૂટી 22182.70 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

બીએસઈ ખાતે ટ્રેડેડ કુલ 3549 સ્ક્રિપ્સમાંથી 203 સ્ક્રિપ્સમાં લોઅર સર્કિટ વાગી હતી. જ્યારે 185 શેરો અપર સર્કિટ સાથે ટ્રેડ થયા હતા. 111 સ્ક્રિપ્સ 52 વીક હાઈ અને 13 સ્ક્રિપ્સ 52 વીક લો લેવલ નોંધાવ્યુ હતું. આ સાથે કુલ 2273 સ્ક્રિપ્સ સુધારા તરફી અને 1131 સ્ક્રિપ્સ ઘટાડા તરફી કારોબાર થઈ રહી હતી.

વૈશ્વિક સ્તરે પડકારો વધી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખતાં રોકાણકારોએ હાલ સાવચેતીનું વલણ અપનાવવા નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે. ઈઝરાયલે ઈરાનના હુમલાના પર પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે, તે ઈરાન પ્રત્યે કોઈ દિલગીરી કે દયાભાવ રાખશે નહિં, ટૂંકસમયમાં જ હુમલાનો જવાબ આપશે. જેના પગલે વૈશ્વિક બજારો પણ તૂટ્યા છે.

મધ્ય-પૂર્વીય તણાવો વચ્ચે સ્થાનિક સ્તરે પોઝિટીવ વલણ પર ફોકસ કરતાં નિફ્ટી માટે નિષ્ણાતોએ 22000નું સપોર્ટ લેવલ આપ્યું છે. રેઝિસ્ટન્સ લેવલ 22400 કર્યું છે. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડાઈસિસ 0.7 ટકા સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. આઈટી, રિયાલ્ટી ઈન્ડેક્સમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે ઓટો, એફએમસીજી, પીએસયુ, મેટલ, ઓઈલ એન્ડ ગેસ, એનર્જી સેગમેન્ટ સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.

માર્કેટમાં કરેક્શનના માહોલનો લાભ લેતાં રોકાણકાર લાંબાગાળાના વ્યૂહ સાથે લાર્જકેપમાં રોકાણ કરી શકે છે. આઈટી, ઓટો, કેપિટલ ગુડ્સ, ઓઈલ એન્ડ ગેસ તથા સિમેન્ટ સેગમેન્ટના શેરોમાં રોકાણ કરવા સલાહ નિષ્ણાતે આપી છે.