સેન્સેક્સ-નિફ્ટીમાં તોફાની તેજી, રોકાણકારોની સંપત્તિ 400 લાખ કરોડ થઈ

April 09, 2024

મુંબઈ  : આજે એટલે કે 9 એપ્રિલે ચૈત્રી નવરાત્રિના પ્રારંભે શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ પહેલીવાર 75,000ની સપાટીને પાર કરી ગયું છે. સેન્સેક્સે 75,124ની ઓલ ટાઇમ હાઇ બનાવી છે અને નિફ્ટીએ 22,765ની ઓલ ટાઇમ હાઇ બનાવી છે. શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સના 30 શેરોમાંથી 26માં વધારો અને 4માં ઘટાડો જોવા મળ્યો હતો.

બજારમાં તેજીના 3 કારણો...

ચૂંટણીને લઈને બજારને આશા છે કે ફરી એકવાર ભાજપ સરકાર સત્તામાં આવશે, જેના કારણે તેજી જોવા મળી રહી છે.
વિદેશી રોકાણકારોએ છેલ્લા સત્રમાં શેરબજારમાં રૂ. 1,659.27 કરોડનું રોકાણ કર્યું છે, જેની બજારના સેન્ટિમેન્ટ પર સકારાત્મક અસર પડી છે.
બજારને જૂનમાં યુએસ વ્યાજદરમાં કાપની અપેક્ષા છે.

બજારમાં આવેલી તેજીને કારણે BSE-લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન (MCAP) રૂ. 400 લાખ કરોડને પાર સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયું છે. BSE- લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન ગયા વર્ષે જુલાઈમાં રૂ. 300 લાખ કરોડના આંકડા પર પહોંચી ગયું હતું.

શેરમાર્કેટમાં કંપનીઓનું માર્કેટકેપ પહેલી વખત 400 લાખ કરોડ ક્રોસ થયું છે જેમાં ગુજરાતી કંપનીઓનું સરેરાશ 12 ટકાથી વધુ યોગદાન રહ્યું છે. જેમાં ગુજરાતની ટોચનું અદાણી ગ્રુપનું જ માર્કેટકેપ 17 લાખ કરોડથી વધુ રહ્યું છે. ત્યારબાદ સનફાર્મા, ટોરેન્ટ, બેન્ક ઓફ બરોડાનું સૌથી વધુ માર્કેટકેપ રહ્યું છે.

માર્કેટમાં હાલ તમામ પરિબળો હકારાત્મક છે. સ્થિર સરકારની આશા સાથે હજુ 5 ટકા વધુ રેલી આવી શકે છે. બીજી તરફ, ઘરેલુ બચત વધારે છે. તેનાથી બજારને સપોર્ટ મળશે. આરબીઆઇએ 2024-25માં 7 ટકા ગ્રોથનો અંદાજ વ્યક્ત કર્યો છે. વાસ્તવિક આંકડો 7.5 ટકા સુધી જઈ શકે છે. ઉનાળામાં મોંઘવારી વધવાની આશંકા છે. પણ અસર બે મહિના સુધી રહેશે. કારણ કે સારા ચોમાસાનો અંદાજ છે. (નેશનલ સ્ટોક એક્સચેન્જના એમડી સીઇઓ આશીષ ચૌહાણે કહ્યું હતું કે, વર્ષ 2047 સુધીમાં ભારતીય બજારનું મૂલ્યાંકન 50 ટ્રિલિયન ડૉલર (4169.5 લાખ કરોડ રૂપિયા) પહોંચી શકે છે.

મોદી સરકારના છેલ્લા 10 વર્ષમાં રોકાણકારોની વેલ્થમાં સરેરાશ ચાર ગણો વધારો થયો છે. 2014માં મોદી સરકાર સત્તા પર આવી ત્યારે બીએસઇનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ.74.15 લાખ કરોડ હતું તે જાન્યુઆરી 2015માં પ્રથમવાર રૂ.100 લાખ કરોડને પાર થયું હતું અને તે પછી બીજા 100 લાખ કરોડ વધતાં છ વર્ષ લાગ્યા હતા. ફેબ્રુઆરી 2021ના અંતે રૂ.200 લાખ કરોડને પાર થયું હતું. જોકે, તે પછીના રૂ.100 લાખ કરોડ વધતા સવા વર્ષનો સમય લીધો હતો.

અગાઉ ગઈકાલે એટલે કે 8મી એપ્રિલે પણ શેરબજારે સર્વોચ્ચ સપાટી બનાવી હતી. સેન્સેક્સ 74,869ના સ્તરને સ્પર્શ્યો અને નિફ્ટી 22,697ના સ્તરને સ્પર્શ્યો. જોકે, બાદમાં તે થોડા નીચે આવ્યા હતા અને સેન્સેક્સ 494 પોઈન્ટના વધારા સાથે 74,742 પર બંધ થયો હતો. તે જ સમયે, નિફ્ટીમાં 152 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો, તે 22,666ના સ્તર પર બંધ થયો હતો.