ઈજિપ્તમાં ખુલ્યું વિશ્વનું સૌથી મોટું સંગ્રહાલય

November 03, 2025

વિશ્વનું સૌથી મોટું સંગ્રહાલય હવે ઇજિપ્તમાં ખુલ્યું છે. 4,70,000 ચોરસ મીટરમાં ફેલાયેલું ગ્રાન્ડ ઇજિપ્તીયન મ્યુઝિયમ ગીઝા પિરામિડથી માત્ર એક માઇલ દૂર આવેલું છે. તેના નિર્માણમાં 83 અબજ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેનું આયોજન 1992માં કરવામાં આવ્યું હતું. પરંતુ બાંધકામ 2005માં શરૂ કરાયુ હતુ. સંગ્રહાલયના કેટલાક ભાગોનું સોફ્ટ લોન્ચિંગ 2024માં થયું હતુ. મ્યુઝિયમમાં 50 હજારથી વધુ પ્રાચીન વસ્તુઓ રાખવામાં આવી છે.

આમાં રામસેસ IIની 3200 વર્ષ જૂની, 83 ટન વજનની વિશાળ પ્રતિમા અને ફારુન ખુફુની 4500 વર્ષ જૂની હોડીનો સમાવેશ થાય છે. સંગ્રહાલયની સૌથી નોંધપાત્ર વિશેષતા રાજા તુતનખામુનનો મકબરો છે. જેમાં તેમની સાથે સંબંધિત 5,000 કલાકૃતિઓ રાખવામાં આવી છે. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીએ વિશ્વભરના અનેક દેશોના નેતાઓ સાથે ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી.

સંગ્રહાલયમાં 24,000 ચોરસ મીટર પ્રદર્શન જગ્યા, બાળકોનું સંગ્રહાલય, પરિષદ અને શૈક્ષણિક સુવિધાઓ છે. 12 મુખ્ય ગેલેરીઓમાં પ્રાગૈતિહાસિક સમયથી રોમન સમયગાળા સુધીની વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે. ઘણી વસ્તુઓ કૈરોના તહરિર સ્ક્વેરમાં જૂના સંગ્રહાલયમાંથી લાવવામાં આવી હતી. જ્યારે અન્ય તાજેતરમાં સક્કારા નેક્રોપોલિસ જેવા પ્રાચીન દફન સ્થળોમાંથી ખોદકામ કરવામાં આવી હતી.