પાવાગઢ રોડ પર યુવકે હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું, જાહેરમાં રોફ જમાવવા પ્રયાસ

March 19, 2023

હાલોલ: શહેરના પાવાગઢ રોડ ઉપર આવેલા અજીરા પાસે ગઈકાલે એક યુવકે કોઈપણ પ્રકારના ડર વિના પોતાની પાસેની પિસ્તોલ કાઢી જાહેરમાં બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કરતાં ચકચાર મચી ગઇ હતી.ફાયરિંગ બાદ યુવકે નજીકમાં આવેલી આમલેટ ની લારી ઉપરથી શાકભાજી કાપવાનો છરો લેતાં જ એક તબક્કે વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી ગઈ હતી. 
જો કે યુવકે જાહેરમાં ફાયરીંગ કર્યા અંગેનો વિડીયો ત્યાં ઉપસ્થિત પૈકી કોઈએ ઉતારી લીધો હતો અને જે સામે આવ્યો હતો જેથી પોલીસને ફાયરિંગ કરનાર યુવકની ઓળખ છતી કરી યુવકની ધરપકડ કરવામાં સફળતા મળી છે.જોકે હાલ તો પોલીસે હાલોલના બાસ્કાના યુવકે પિસ્તોલ કોના પાસેથી મેળવી અને ફાયરિંગ કયા કારણોસર કરી જે અંગે વધુ તપાસ પૂછપરછ શરૂ કરી છે.


હાલોલ શહેરના પાવાગઢ રોડ ઉપર આવેલા અજીરા પાસે ગઈકાલે મોડી સાંજે વખતે જાહેરમાં પોતાની પાસેની ખાનગી પિસ્તોલ વડે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું અને જેના બાદ નજીકમાં આવેલી આમલેટ ની લારી ઉપર થી શાકભાજી કાપવાનો છરો હાથમાં લેતાં જ ઉપસ્થિત સૌમાં ફફડાટ વ્યાપી જવા સાથે ઉત્તેજના સભર માહોલ સર્જાયો હતો. 


જોકે ફાયરીંગની આ ઘટના ત્યાં ઉપસ્થિત એક વ્યક્તિ પોતાના મોબાઈલ ફોનમાં કંડારી લીધી હતી અને જે વિડિયો પોલીસને આપવામાં આવ્યો હતો. જે આધારે પોલીસે હાલોલના અરાદ રોડ ઉપર રહેતાં મકમુદ્દીન સૈયદ ની ફરિયાદ આધારે ફાયરિંગ કરનાર યુવકની ઓળખ છતી કરી હતી અને હાલોલ શહેર પોલીસે બાસ્કા ગામના ઇમરાન મકરાણી ઉર્ફે ટાયગરની ધરપકડ કરી છે. 


પોલીસે હાલ તો ઇમરાન પાસેથી પિસ્તોલ અને કારતૂસ કબજે લઇ તેની સામે આમ્સ એક્ટ અને જાહેરનામા ભંગની જોગવાઇ મુજબ ગુનો નોંધી કયા કારણોસર તેણે જાહેરમાં ફાયરિંગ કર્યુ હતું અને પિસ્તોલ કોની પાસેથી મેળવી સહિતની પૂછપરછ શરૂ કરી છે. જાહેર અવરજવર વાળા માર્ગ ઉપર હવામાં થયેલા ફાયરીંગને લઇ એક તબક્કે અહીંના રહીશોમાં પણ ગભરાટનો માહોલ છવાયો છે. જો કે પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર હાલ ફાયરિંગ કરવાના કારણ અંગેની પૂછપરછ જારી છે.