ટોરેન્ટ ગ્રૂપે BCCIની મંજૂરી બાદ CVC કેપિટલ પાસેથી IPL ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સ હસ્તગત કરી

March 18, 2025

ટોરેન્ટ ગ્રૂપે BCCIની મંજૂરી બાદ CVC કેપિટલ પાસેથી IPL ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સ હસ્તગત કરી છે. ટોરેન્ટે ઈરેલિયા સ્પોર્ટ્સ ઈન્ડિયા પ્રા. લિ. પાસેથી ગુજરાતનો 67% હિસ્સો ખરીદ્યો છે, જ્યારે CVC કેપિટલ 33% હિસ્સો ધરાવશે. આ જૂથને હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફથી તમામ જરૂરી મંજૂરીઓ મળી ગઈ છે. ગ્રૂપે આ ડીલ અંગે એક નિવેદન પણ બહાર પાડ્યું છે અને કહ્યું છે કે તમામ શરતો પૂરી કરીને હવે એક્વિઝિશન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, ટોરેન્ટ ગ્રુપે રૂ. 5035 કરોડમાં ગુજરાત ટાઇટન્સનો 67% હિસ્સો ખરીદ્યો છે. 2022માં IPLમાં પ્રવેશ્યા બાદ ગુજરાતની ટીમે હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં પહેલી જ સિઝનમાં ટાઇટલ જીત્યું હતું. આ પછી, ટીમ આવતા વર્ષે પણ આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી હતી. જોકે ટીમને ફાઇનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ પાસેથી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમની આ સફળતાને કારણે છેલ્લા ત્રણ વર્ષમાં ફ્રેન્ચાઈઝીના મૂલ્યાંકનમાં 34 ટકાનો વધારો જોવા મળ્યો છે.

ગત સિઝનમાં હાર્દિકે ટીમ છોડી દીધી હતી અને તેની જૂની ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયો હતો, ત્યારબાદ યુવા શુભમન ગિલને ટીમની કમાન સોંપવામાં આવી હતી. હાર્દિકના જવાની અસર ગયા વર્ષે ટીમના પ્રદર્શન પર પણ પડી હતી, જ્યાં ટીમ પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને હતી. પરંતુ આ પછી પણ ટીમે ફરી એકવાર ગિલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેને આ સિઝન માટે કેપ્ટન બનાવ્યો છે.