ઈન્ડોનેશિયામાં કરુણાંતિકા : ડિવાઈડર સાથે ભટકાઈ બસ પલટી, 16 મુસાફરના દર્દનાક મોત

December 22, 2025

ઈન્ડોનેશિયામાં એક મોટી કરુણાંતિકા સર્જાઈ છે. મુખ્ય ટાપુ જાવામાં થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં 16 લોકોના દર્દનાક મોત થયા છે અને ઘણા મુસાફરો ઘાયલ થયા છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે ડ્રાઈવરે ટોલ રોડ પર બસ પરનો કાબુ ગુમાવી દીધો. ડ્રાઈવરે કાબુ ગુમાવતા જ બસ પહેલા કોંક્રિટના ડિવાઈડર સાથે ભટકાઈ અને પછી પલટી ગઈ.  

ઈન્ડોનેશિયામાં થયેલા માર્ગ અકસ્માત અંગે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે, રેસ્ક્યુ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. નેશનલ સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સીના પ્રમુખ બુડિયોનોએ જણાવ્યું કે, 'બસમાં 34 લોકો સવાર હતા. આ ઈન્ટર-પ્રોવિન્સ બસ રાજધાની જકાર્તાથી દેશના જૂના શહેર યોગ્યાકાર્તા જઈ રહી હતી. આ દરમિયાન સેન્ટ્રલ જાવાના સેમારંગ શહેરમાં ક્રાપ્યાક ટોલ-વે પર વળાંક વાળા માર્ગ પર તે પલટી ગઈ.'

બુડિયોનોએ જણાવ્યું કે,  અકસ્માતના લગભગ 40 મિનિટ બાદ પોલીસ અને રેસ્ક્યુ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘટનાસ્થળે મૃત્યુ પામેલા 6 મુસાફરોના મૃતદેહ રિકવર કર્યા હતા. અન્ય 10 લોકોના હોસ્પિટલ લઈ જતી વખતે અને સારવાર દરમિયાન મોત થઈ ગયા હતા. નજીકની બે હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા 18 ઘાયલોની હાલત ગંભીર છે. 

બુડિયોનોએ આગળ જણાવ્યું કે, 'આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઘણા મુસાફરો ઉછળીને નીચે પટકાયા અને બસમાં ફસાઈ ગયા.' તમને જણાવી દઈએ કે, અકસ્માતનો શિકાર બનેલી બસ એક બાજુ પલટી ગઈ હતી. નેશનલ સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સીના કર્માચારીઓ સહિત રાહદારીઓ પણ ઘટનાસ્થળે હાજર હતા. એમ્બ્યુલન્સ પીડિતો અને મૃતકોને અકસ્માત સ્થળથી દૂર લઈ જઈ રહી હતી.