વલસાડ હાઈ-વે પર ટ્રિપલ અકસ્માત; 2 લોકોના મોત, 5 ઘાયલ

February 04, 2024

વલસાડ: ગુજરાતમાં રોડ અકસ્માતોની સંખ્યા દિવસને દિવસે વધી રહી છે, ત્યારે વલસાડ હાઈવે પર એક ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે. જેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વલસાડ નેશનલ હાઈવે પર ટેમ્પો, આઈસર અને કાર વચ્ચે ટ્રિપલ અકસ્માતની ઘટના બની છે. ચાલક સુનિલ ચૌહાણ અને કારમાં સવાર ભારતીબેન ચૌહાણ (ઉં.વ. ૬૪, બંને રહે. સગરામપુરા, સુરત)નું ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. મળતી વિગતો મુજબ ગુંદલાવ હાઇવે પર સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં ત્રણ વાહનોમાં સવાર કુલ ૫ાંચ વ્યક્તિઓને ઓછી વત્તી ઇજા થઇ હતી. જે પૈકી મોહમ્મદ ઉમર કાપડિયા, એહમદ અસીસ યુસુફ ગારબારી, છાયાબેન ચૌહાણ અને સુરેશભાઈ ચૌહાણને સારવાર માટે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પાંચ લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  પ્રાથમિક માહિતી અનુસાર પિકઅપ ટેમ્પોના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ડિવાઈડર કૂદી સામેની બાજુથી આવી રહેલી આઈસર અને કાર સાથે ટકરાયો હતો. અકસ્માતના પગલે  નેશનલ હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે.