હજુ બે દિવસ ગુજરાત અગનભઠ્ઠીમાં:પોરબંદર, જૂનાગઢ અને ભાવનગરમાં હીટવેવની આગાહી

April 18, 2024

અમદાવાદ : ગુજરાત છેલ્લા ત્રણ દિવસથી અગનભઠ્ઠી બન્યું છે. ઉત્તર-પૂર્વના ગરમ પવનો સીધા જમીન તરફ આવતાં અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગનાં શહેરોમાં ગરમી વધી છે. અમદાવાદમાં 17 એપ્રિલને બુધવારે સિઝનનું સૌથી વધુ 42.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજ્યનું સૌથી વધારે તાપમાન અમરેલીમાં 44 ડિગ્રી નોંધાયું હતું. આજે પણ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં 40 ડિગ્રીને પાર તાપમાન નોંધાવાની શક્યતાઓ છે. તો સાથે અમદાવાદના તાપમાનમાં ગઈકાલ કરતાં એકાદ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતાઓ રહેલી છે. હવામાન વિભાગના જણાવ્યું મુજબ, હજુ પણ આ‌વનારા બે દિવસ ગરમીનું જોર યથાવત્ રહેશે.