સ્પેનમાં બે હાઈ-સ્પીડ ટ્રેનો વચ્ચે જોરદાર ટક્કર, 21 લોકોના મોત; 73 ઈજાગ્રસ્ત

January 19, 2026

દક્ષિણ સ્પેનમાં ગંભીર ટ્રેન અકસ્માત સર્જાયો હતો. બે હાઈ-સ્પીડ ટ્રેનો સામસામે અથડાતા ઓછામાં ઓછા 21 મુસાફરોના મોત થયા છે અને 73 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને કાટમાળમાં અનેક લોકો ફસાયા હતા.

અધિકારીઓના જણાવ્યા અનુસાર સ્પેનના કોર્ડોબામાં એડમ્યુઝ સ્ટેશન પાસે સાંજે 5:40 વાગ્યે (GMT) આ ઘટના બની હતી. માલાગાથી મેડ્રિડ જઈ રહેલી 'ઇર્યો 6189' ટ્રેન અચાનક પાટા પરથી ઉતરી ગઈ હતી અને બાજુના ટ્રેક પર આવી ગઈ હતી. આ જ સમયે સામેથી મેડ્રિડથી હુએલ્વા જઈ રહેલી બીજી ટ્રેન સાથે તેની સીધી ટક્કર થઈ હતી.

સ્પેનની રેલવે સંસ્થા ADIF એ આ ઘટનાની પુષ્ટિ કરી છે. અકસ્માત બાદ મેડ્રિડ અને અંડાલુસિયા વચ્ચેની તમામ હાઈ-સ્પીડ રેલ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. ઈમરજન્સી સેવાઓ અને રાહત બચાવ ટુકડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.