UPI ડાઉન, યુઝર્સને ગુગલ પે સહિતની UPI એપ્સમાં પેમેન્ટ કરવામાં મુશ્કેલી

March 26, 2025

દેશમાં UPIની સેવા અનેક જગ્યાઓ પર ઠપ થઈ ગઈ છે, જેનાથી લોકોને ડિજિટલ ચૂકવણીમાં મુશ્કેલી થઈ રહી છે. કેટલાક યુઝર્સની ફરિયાદ છે કે, તેમનું UPI પેમેન્ટ ફેલ થઈ રહ્યું છે અથવા ખુબ વાર લાગી રહી છે. કેટલાકી બેંકોના ગ્રાહકોને UPI દ્વારા પૈસા મોકલવા અને મંગાવવામાં મુશ્કેલી થઈ રહી છે. યુઝર્સ UPI લેવડ-દેવડથી જોડાયેલી સમસ્યાને લઈને પોતાની ફરિયાદ અને નારાજગી ઈન્ટરનેટ પર વ્યક્ત કરી રહ્યા છે.
ઘણા વેપારીઓએ જણાવ્યું હતું કે, ગ્રાહકો UPI દ્વારા ચુકવણી કરી શકતા નથી, જેના કારણે વ્યવહારો પણ પ્રભાવિત થઈ રહ્યા છે. ઓનલાઈન શોપિંગ અને એપ્સ પર પેમેન્ટ ફેઈલ થવાની ફરિયાદો પણ મળી છે. કેટલાક યુઝર્સે ફરિયાદ કરી છે કે ફોનપે, ગુગલ પે અને પેટીએમ જેવી એપ્સ યોગ્ય રીતે કામ કરી રહી નથી. જો તમારી UPI ચુકવણી નિષ્ફળ જાય તો કૃપા કરીને થોડા સમય પછી ફરી પ્રયાસ કરો. પરંતુ તે પહેલાં આ બાબતને લગતા અપડેટ્સ માટે NPCI અને તમારી બેંકની સત્તાવાર વેબસાઇટ અથવા અધિકૃત અખબારોના સોશિયલ મીડિયા પેજ જરૂર જુઓ. ઉપરાંત, તમારા બધા પેમેન્ટ નેટ બેંકિંગ, ડેબિટ/ક્રેડિટ કાર્ડ અથવા રોકડ દ્વારા કરો. આ બાબતે UPIનું સંચાલન કરતી સંસ્થા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ના સત્તાવાર પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે. માહિતી મુજબ, સાંજે 7 વાગ્યા પછી UPI ચુકવણી ફેઈલ થવા અંગે ફરિયાદોનો ઢગલો થયો છે.