બિહારના અરરિયામાં કોંગ્રેસની યાત્રામાં બબાલ, રેલી છોડીને ભાગ્યા કન્હૈયા કુમાર

March 31, 2025

અરરિયા : બિહારમાં અરરિયા જિલ્લામાં કોંગ્રેસની ‘પલાયન રોકો, નૌકરી દો યાત્રા’માં કોંગ્રેસ નેતા કન્હૈયા કુમાર સાથે સેલ્ફી લેવાના ચક્કરમાં ભારે બબાલ થઈ છે. અહીં કેટલાક કાર્યકર્તાઓ કન્હૈયા કુમાર પાસે સેલ્ફી લેવા તેમની નજીક ગયા હતા. આ દરમિયાન તેમના સુરક્ષા કર્મીઓએ અટકાવવાનો પ્રયાસ કરતા કેટલાક કાર્યકર્તાને ધક્કો લાગતા મામલો બિચક્યો. તેથી સુરક્ષા કર્મીઓ અને કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થયાનું પણ કહેવાય છે. બીજી તરફ કોંગ્રેસે પણ રેલીમાંથી નીકળી જવા મુદ્દે કન્હૈયા કુમારનો બચાવ કર્યો છે.


પાર્ટીના કાર્યકર્તાના જણાવ્યા અનુસાર, કોંગ્રેસની યાત્રા એસએસબી પરિસર પાસે પહોંચી, ત્યારે કેટલાક કાર્યકર્તાઓ સેલ્ફી લેવા માટે એક-બીજાને ધક્કા મારી રહ્યા હતા. આ દરમિયાન સુરક્ષા કર્મીઓ અને કાર્યકર્તાઓ વચ્ચે વિવાદ થયો હતો, જેના કારણે કુમારે અધવચ્ચે જ યાત્રા છોડીને જતું રહેવું પડ્યું છે. ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર રવિવારે (30 માર્ચ) વાયરલ થયો છે, જોકે આ વીડિયોની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા મુજબ આ ઘટના અરરિયા સ્થિત એસએસબી પરિસર પાસે બની છે.