આગ્રામાં IPL સટ્ટાબાજી રેકેટનો પર્દાફાશ, પોલીસે 9 લોકોની કરી ધરપકડ

April 02, 2025

ઉત્તર પ્રદેશના આગ્રામાં પોલીસે એક મોટી IPL સટ્ટાબાજી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ક્લબ સ્ક્વેર 8 કાફે પર દરોડા પાડ્યા અને 9 બુકીઓની ધરપકડ કરી લીધી છે. ઘટનાસ્થળેથી 1.62 લાખ રૂપિયા રોકડા, 10 મોબાઈલ ફોન, 1 એસયુવી કાર, 2 ટુ-વ્હીલર અને અન્ય વસ્તુઓ પણ મળી આવી છે.

આગ્રા પોલીસને માહિતી મળી હતી કે IPL મેચ દરમિયાન ક્લબ સ્ક્વેર 8 કાફેમાં સટ્ટો રમાઈ રહ્યો છે. ત્યારબાદ SOG ટીમ અને જગદીશપુર પોલીસ સ્ટેશને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું અને કાફેમાં દરોડા પાડ્યા હતા. પોલીસ આવતાની સાથે જ બુકીઓએ ભાગવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પોલીસે તેમને ચારે બાજુથી ઘેરી લીધા હતા.

2 આરોપીઓ વોશરૂમમાં છુપાઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેમને પણ પોલીસે પકડી લીધા હતા. કહેવામાં આવી રહ્યું છે કે કાફેમાં મોટાપાયે સટ્ટો રમાઈ રહ્યો છે. સ્થાનિક લોકોને આ વિશે કોઈ જાણકારી નહોતી, પરંતુ પોલીસ દરોડામાં આખી ગેંગનો પર્દાફાશ થયો છે. આ કાફે છેલ્લા દોઢથી બે વર્ષથી ચાલી રહ્યું હતું અને તે ધીમે ધીમે જાણીતું થઈ રહ્યું હતું.