કોંગ્રેસના દિગ્ગજ ભુપેશ બઘેલની મુશ્કેલી વધી, 6000 કરોડના કૌભાંડમાં CBIએ આરોપી બનાવ્યા

April 02, 2025

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની મુશ્કેલીઓ સતત વધતી જઈ રહી છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને મહાદેવ એપ કૌભાંડમાં તેમને આરોપી બનાવાયા છે. 6000 કરોડના ઓનલાઇન સટ્ટા કૌભાંડથી જોડાયેલા કેસમાં સીબીઆઇએ બઘેલનું નામ એફઆઇઆરમાં સામેલ કર્યું છે. આ ઘટનાક્રમ એવા સમયે થયો છે જ્યારે એક અઠવાડિયા પહેલા એજન્સીએ ચાર રાજ્યોમાં 60 ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. જેમાં બધેલનું આવાસ, અમુક અમલદાર અને પોલીસ અધિકારીઓના ઘર સામેલ હતા.

FIRમાં કહેવામાં આવ્યું છે કે મહાદેવ બુક એપના માલિકોએ પોલીસ અધિકારીઓ, વહીવટી અધિકારીઓ અને પ્રભાવશાળી રાજકીય વ્યક્તિઓને પ્રોટેક્શન મની તરીકે મોટી રકમ આપી. જેથી તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ એક્શન લેવામાં ન આવે. 

આ રૂપિયા હવાલા દ્વારા પોલીસ અને તંત્રના અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવતા હતા અને પછી વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને પ્રભાવશાળી રાજકીય વ્યક્તિઓ સુધી પહોંચાડતા હતા. આ રીતે ઘણા પોલીસ અને તંત્રના અધિકારીઓએ પોતાને ફાયદો પહોંચાડવા માટે પોતાના પદનો દુરુપયોગ કર્યો. એજન્સીએ 18 ડિસેમ્બર 2024એ આ મામલે એફઆઇઆર નોંધાવી હતી.