'કાલે લોકસભામાં તમામ સાંસદ હાજર રહે', ભાજપે જાહેર કર્યું વ્હિપ

April 01, 2025

વક્ફ સંશોધન બિલ બીજી એપ્રિલે લોકસભામાં રજૂ કરવામાં આવશે. બિલ પર ચર્ચા માટે 12 કલાકના સમયની માંગ કરવામાં આવી હતી, જોકે છેવટે ચર્ચા માટે 8 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે. પ્રશ્નકાળ બાદ બિલ પર ચર્ચા શરૂ થશે. ચર્ચા બાદ આવતીકાલે જ બિલ પસાર કરવા અંગે પણ નિર્ણય લેવાઈ શકે છે. આ માટે ભારતીય જનતા પાર્ટી (BJP) એ તેના તમામ લોકસભા સાંસદોને 2 એપ્રિલ 2025 ના રોજ સંસદમાં હાજર રહેવા માટે વ્હિપ જાહેર કર્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ જોતાં કોંગ્રેસે હજુ સુધી એ નક્કી નથી કર્યું કે પ્રિયંકા ગાંધી કે રાહુલ ગાંધી આવતીકાલે લોકસભામાં વક્ફ ચર્ચા પર બોલશે કે નહીં. 

તેલુગુ દેશમ પાર્ટી (TDP) દ્વારા સૂચવવામાં આવેલા ત્રણેય સુધારાને વક્ફ (સુધારા) બિલમાં સ્વીકારવામાં આવ્યા છે. આ સાથે ટીડીપીએ બિલને સંપૂર્ણ સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. આવતીકાલે પાર્ટી લોકસભામાં બિલના સમર્થનમાં મતદાન કરશે. આ સાથે જેડીયુના પ્રસ્તાવનો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે. તેથી હવે એવું માનવામાં આવી રહ્યું છે કે નીતીશ કુમારની પાર્ટી પણ લોકસભામાં વક્ફ સંશોધન બિલને સમર્થન આપી શકે છે.

1. ટીડીપી દ્વારા સૂચવવામાં આવેલા ત્રણેય સુધારામાં 'વક્ફ બાય યુઝર' સંબંધિત જોગવાઈમાં સુધારો કરવાની દરખાસ્ત કરી હતી, જે મુજબ, 'વક્ફ (સુધારા) અધિનિયમ, 2025ના અમલમાં આવતા પહેલા જે પણ વક્ફ દ્વારા યુઝર પ્રોપર્ટીની નોંધણી કરવામાં આવી છે, તે વક્ફ પ્રોપર્ટી તરીકે ચાલુ રહેશે, સિવાય કે મિલકત વિવાદિત હોય અથવા સરકારી મિલકત હોય.' આ સુધારો બિલમાં સામેલ કરવામાં આવ્યો છે.

2. તેમજ ટીડીપીએ એવી પણ દરખાસ્ત કરી હતી કે વકફના મામલામાં કલેક્ટરને અંતિમ સત્તા તરીકે ધ્યાનમાં લેવાને બદલે, રાજ્ય સરકાર કલેક્ટર કરતાં ઉચ્ચ અધિકારીની નિમણૂક કરતું જાહેરનામું બહાર પાડી શકે છે, જે કાયદા મુજબ તપાસ કરશે. હવે આ સુધારો પણ બિલનો ભાગ બની ગયો છે.

3. ત્રીજો મોટો સુધારો ડિજિટલ ડોક્યુમેન્ટની સમય મર્યાદા વધારવા સંબંધિત હતો. હવે, જો ટ્રિબ્યુનલને વિલંબનું વાજબી કારણ સંતોષકારક લાગશે, તો વક્ફને ડિજિટલ ડોક્યુમેન્ટ સબમિટ કરવા માટે વધારાના 6 મહિનાનો સમય મળશે. ટીડીપીના સુધારાને સ્વીકાર્યા બાદ પાર્ટીએ આ બિલના સમર્થનમાં મતદાન કરવાનો નિર્ણય લીધો છે.

લોકસભાના સ્પીકર ઓમ બિરલાની અધ્યક્ષતામાં બિઝનેસ એડવાઇઝરી કમિટી (BAC)ની બેઠકમાં વક્ફ સુધારા બિલ પર ચર્ચા કરવામાં આવી હતી. ગયા વર્ષે બિલ રજૂ કરતી વખતે, સરકારે તેને બંને ગૃહોની સંયુક્ત સમિતિને મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં વિપક્ષે બિલ પર ચર્ચા કરવા માટે 12 કલાકનો સમય માંગ્યો હતો, પરંતુ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની નિંદા કરતા વૈધાનિક ઠરાવ પર ચર્ચા કરવાની હોવાથી વક્ફ બિલ માટે 8 કલાકથી વધુ સમય આપી શકાય નહીં.