ISROએ અદભૂત ટેકનોલોજી શોધી ! વીજળી ક્યાં પડશે, પહેલા જ મળી જશે એલર્ટ

April 02, 2025

 દેશભરમાં દર વર્ષે અનેક વખત વીજળી પડવાના કારણે ઘણા લોકોના મોત થતા હોય છે. વીજળી પડવાના કારણે જાનમાલને પણ ઘણું નુકસાન થતું હોય છે, ત્યારે આ સમસ્યા નિરાવરા માટે ભારતીય અવકાશ સંશોધન સંગઠને (ISRO) એક મહત્ત્વની ટેકનોલોજી શોધી કાઢી છે. ચોમાસામાં વીજળી ક્યાં પડશે, તેની માહિતી પહેલેથી જ મળી જશે. ઈસરોની નવી ટેકનોલોજી મુજબ હવે વીજળી પડે તે પહેલા જ એલર્ટ મળી જશે.

ઈસરોએ વીજળીની આગાહી કરવાની ક્ષમતા મેળવી લીધી છે. ઈસરોની આ સફળતાએ વિશ્વભરને ચોંકાવી દીધા છે. ઈસરોએ કહ્યું કે, ‘ભારતીય જીઓસ્ટેશનરી સેટેલાઇટમાંથી ડેટા એકત્ર કરીને વીજળીની આગાહી કરવામાં સફળતા મળી છે. આ સિદ્ધિ ઈસરોના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર દ્વારા હાંસલ કરવામાં આવી છે.’

નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટરના વિજ્ઞાનીઓને INSAT-3D સેટેલાઈટથી પ્રાપ્ત થયેલ ‘આઉટગોઇંગ લોંગવેવ રેડિયેશન (OLR)’માંથી ખાસ પ્રકારના સંકેત જોવા મળ્યા છે. સંકેત મુજબ વિજ્ઞાનીઓને ઓએલઆરની ગતિમાં ઘટાડો થવાના કારણે વીજળી પડવાની સંભાવના જોવા મળી છે. આ નવી ટેકનોલોજીના કારણે અઢી કલાક પહેલા વીજળીની આગાહી થઈ શકે છે. ઈસરોની આ ટેકનોલોજીથી દેશભરના લોકો તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં ખૂબ ઉપયોગી નીવળશે. ઈસરોની નવી ટેકનોલોજી મુજબ જ્યાં વીજળી પડવાની સંભાવના હશે, ત્યાંથી લોકોને હટાવી શકાશે. તેનાથી જાનમામલને ઓછું નુકસાન થશે.