મહારાષ્ટ્રના બુલઢાણામાં ત્રણ વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, વહેલી સવારે 5ને કાળ ભરખી ગયો

April 02, 2025

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના શેગાંવ ખામગાંવ હાઈવે પર એક ભયંકર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં ઘટનાસ્થળે જ લગભગ 5 જેટલાં લોકો મૃત્યુ પામી ગયાના અહેવાલ છે. 

મળતી માહિતી અનુસાર એક ખાનગી બસ, એક એસ.ટી. બસ અને બોલેરો વચ્ચે આ ભીષણ અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે પૂરપાટ ગતિએ દોડતી બોલેરો કાર એસ.ટી.બસ સાથે અથડાઈ હતી. જેના લીધે પાછળ આવતી ખાનગી બસ પણ આ અકસ્માતમાં લપેટાઈ ગઈ હતી. ભયાનક અકસ્માતમાં 5 લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા. જોકે 24 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. 

અકસ્માત એટલો ભયાનક હતો કે બોલેરો કારનો તો કચ્ચરઘાણ થઈ ગયો હતો. જોકે બે બસ પણ અકસ્માતની લપેટમાં આવી જતાં ઈજાગ્રસ્તોનો આંકડો પણ 24 પહોંચી ગયો હતો. ઘટના વહેલી સવારે સર્જાઈ હતી. પોલીસને જાણકારી મળતાં ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.