ઇદ વચ્ચે ગાઝામાં 80નાં મોત, ટ્રમ્પ નેતન્યાહુ પર હુમલાની હમાસની ધમકી

April 01, 2025

તેલ અવિવ: એક તરફ મુસ્લિમો ઇદની ઉજવણી કરી રહ્યા છે ત્યારે બીજી તરફ ભુખમરા વચ્ચે ગાઝાવાસીઓ પર ઇઝરાયેલ દ્વારા બોમ્બમારો કર્યો હતો. ઇઝરાયેલના આ હવાઇ હુમલામાં છેલ્લા ૪૮ કલાકમાં ૮૦ પેલેસ્ટાઇન નાગરિકો માર્યા ગયા હતા. જ્યારે ૩૦૦થી વધુ ઘવાયા હતા તેમ ગાઝા સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો હતો. ખંડેર થઇ ગયેલા ગાઝામાં હજુ લાખો મુસ્લિમો છે જેમણે આ સ્થિતિ વચ્ચે પણ ઇદ ઉજવવા પ્રયાસ કર્યો હતો. જ્યારે આતંકી સંગઠન હમાસે હવે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલ પ્રમુખ નેતન્યાહુ પર હુમલા માટે લોકોને ઉશ્કેર્યા હતા.

હમાસ-ઇઝરાયેલ યુદ્ધ અચાનક ઘેરૂં બની રહ્યું છે. રમઝાન ઈદના દિવસે પણ ઇઝરાયલે ગાઝાવાસીઓ પર એરસ્ટ્રાઈક કરી છે. આજના ઈદના પવિત્ર દિવસે ઇઝરાયેલ જબરજસ્ત બોમ્બ વર્ષા કરી હતી. આથી હમાસે પણ તેનું રૂખ તેજ કર્યું છે. વાસ્તવમાં ટ્રમ્પે ઘડેલી યોજના પ્રમાણે ગાઝા-પટ્ટીમાં રહેલા આશરે ૨૪ લાખ જેટલા પેલેસ્ટાઈનીઓને ત્યાંથી ઈજિપ્ત અને જોર્ડનમાં મોકલી દઈ સમગ્ર ગાઝાપટ્ટી પેલેસ્ટાઈનીઓ રહિત કરવાની યોજના ઘડી છે. ટ્રમ્પની આ યોજના વિરુદ્ધ હમાસે તલવાર ખેંચી છે.