અમેરિકામાં બાળકોને દત્તક લેવાનું કૌભાંડ, દંપતીને 375 વર્ષની જેલની સજા

March 31, 2025

વેસ્ટ વર્જિનિયા- અમેરિકામાં બાળકોને દત્તક લેવાનું એક જઘન્ય કૌભાંડ બહાર આવ્યું છે. આ કૌભાંડમાં દંપતીને કોર્ટ દ્વારા 375 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. અહેવાલ પ્રમાણે વેસ્ટ વર્જીનિયામાં રહેતું એક દંપતી ઘણું પ્રખ્યાત હતું. તેઓ બાળકોને દત્તક લેતા અને પોતાની સાથે રાખતા હતા. આ દંપતીએ પાંચ અનાથ બાળકોને દત્તક લીધા હતા. મહત્ત્વની વાત એ હતી કે, આ શ્વેત દંપત્તી હંમેશા કાળા બાળકોને દત્તક લેતા હતા. આ પાછળનો હેતું શું હતો તે કોઈને ખબર નહોતી. પરંતુ જ્યારે તેનું રહસ્ય ખુલ્યું ત્યારે બધા ચોંકી ઉઠ્યા હતા. પોલીસે તેનો ઘટસ્ફોટ કર્યો ત્યારે દુનિયાભરમાં સોશિયલ મીડિયા માધ્યમોમાં પણ તેની ચર્ચા ચાલી હતી. 
વેસ્ટ વર્જિનિયાની સર્કિટ કોર્ટ દ્વારા થોડા સમય પહેલાં 63 વર્ષીય જીની અને 64 વર્ષીય ડોનાલ્ડ લેટ્ઝ નામના યુગલને 375 વર્ષની સજા જાહેર કરવામાં આવી હતી. આ સજા સંભળાવતી વખતે જજે જણાવ્યું કે, તમારો ગુનો માફીને પાત્ર જ નથી. એક સમયે ઈશ્વરને તમારા ઉપર દયા આવી શકે પણ કોર્ટ તમારી દયા ખાય તેમ જ નથી. તમે નરાધમોને પણ શરમાવે તેવું કૃત્ય કર્યું છે. 


અમેરિકાના આ દંપતીએ પાંચ અશ્વેત બાળકોને દત્તક લીધા હતા. તેમણે બાળકો દત્તક લીધા ત્યાં સુધી વાંધો નહોતો. આ યુગલ દ્વારા આ પાંચેય બાળકોને દત્તક લેવાના નામે ગુલામ અને મજૂર બનાવીને ઘરમાં રાખવામાં આવ્યા હતા. કાનવાહ કાઉન્ટની પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ દંપતી દ્વારા મિનિયેસોટા ખાતેથી પાંચ બાળકો દત્તક લેવામાં આવ્યા હતા. તેઓ પાંચ અશ્વેત બાળકોને અનાથ આશ્રમમાંથી લઈ આવ્યા ત્યારે ચારેતરફ તેમની વાહવાહી થતી હતી. થોડા સમય પછી આ લોકો મિનિયેસોટા છોડીને વોશિંગ્ટન આવી ગયા. ત્યારબાદ તેઓ વેસ્ટ વર્જિનિયા જતા રહ્યા હતા. અહીંયા એક વખત પોલીસ દ્વારા લોકોના ઘરમાં વેલફેર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન આ દંપતીની જઘન્ય માનસિકતા અને અત્યારચાર સામે આવ્યા હતા.