નોઈડામાં લેમ્બોર્ગિની ચાલકે ડિવાઈડર પર ઊભેલા કામદારોને કચડયા, 2 મજૂર ઘાયલ

March 31, 2025

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને અડીને આવેલા નોઈડામાં એક અકસ્માત મામલો સામે આવ્યો છે. અહીં એક લેમ્બોર્ગિની કાર ચાલકે ડિવાઈડર પર ઉભેલા કામદારોને કચડી નાખ્યા છે. આ ઘટનામાં બે મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટના બાદ સ્થળ પર હાજર લોકોએ કાર ચાલકને ઘેરી લીધો હતો. આ પછી પણ આરોપી કાર ચાલક હસતો રહ્યો. તેની હરકતથી ગંભીત થવાને બદલે તેણે બહાર ઊભેલા લોકોને પૂછ્યું કે શું કોઈ મરી ગયું? માહિતી મળતાં જ પોલીસ ત્યાં ઘટના સ્થળે પહોંચી કાર કબજે કરી અને તેના ડ્રાઈવરની ધરપકડ કરી હતી.

અકસ્માતમાં ઘાયલ થયેલા બંને મજૂરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત નોઈડાના સેક્ટર 126 પોલીસ સ્ટેશન વિસ્તારમાં સેક્ટર 94ના ચરખા રાઉન્ડ અબાઉટ પર થયો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર ઘટના સ્થળે બહુમાળી ઈમારતનું કામ ચાલી રહ્યું છે. રવિવારે બપોરે કેટલાક મજૂરો અહીં ડિવાઈડર પર ઉભા હતા. આ દરમિયાન કાર ચાલક ઝડપભેર હંકારીને આવ્યો હતો અને કામદારોની સામે આવ્યા બાદ તેની કાર કાબુ બહાર જઈને ડિવાઈડર પર ચઢી ગઈ હતી. દરમિયાન ત્યાં ઉભેલા બે મજૂરોને આ કારે ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં ઘાયલ એક મજૂરનો પગ ભાંગી ગયો છે, જ્યારે અન્ય એક મજૂરને પણ ગંભીર ઈજાઓ થઈ છે. આ બંને મજૂરો મૂળ છત્તીસગઢના છે. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે રસ્તાની વચ્ચોવચ જતી કાર કાબૂ બહાર જઈને ડિવાઈડર પર ચઢી જાય છે અને કામદારોને કચડી નાખે છે.