સેન્સેક્સ 474 પોઈન્ટ સુધર્યો, નિફ્ટી 23300 નજીક, રિયાલ્ટી- આઈટી શેર્સમાં ખરીદી વધી

April 02, 2025

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ લાગુ કરવાની તૈયારીઓ વચ્ચે શેરબજારમાં આજે સુધારો જોવા મળ્યો છે. સેન્સેક્સ ગઈકાલે 1390 પોઈન્ટ તૂટ્યા બાદ આજે 474 પોઈન્ટ સુધર્યો છે. નિફ્ટી પણ સુધારા સાથે 23300 નજીક પહોંચ્યો છે. આજે શેરબજારમાં  સેક્ટોરલ સ્પેસિફિક સુધારો જોવા મળ્યો છે. 

આજે સવારે 10.30 વાગ્યે સેન્સેક્સ 431.05 પોઈન્ટ સુધરી 76455.56 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 102.25 પોઈન્ટ સુધારા સાથે 23267.95 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બીએસઈ ખાતે 215 શેરમાં અપર સર્કિટ જ્યારે 119 શેરમાં લોઅર સર્કિટ વાગી હતી. મોર્નિંગ સેશનમાં 45 શેર વર્ષની ટોચે અને 65 શેર વર્ષના તળિયે પહોંચ્યા હતાં. 

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બીજી એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાદવા માટે તૈયાર હોવાનું વ્હાઈટ હાઉસે જણાવ્યું છે. હાલ તેઓ ટ્રેડ નિષ્ણાતો સાથે આ મુદ્દે સ્પષ્ટતા મેળવી નિયમો ઘડી રહ્યા છે. જેના પગલે વૈશ્વિક બજારોમાં મિક્સ ટોન જોવા મળ્યો છે.

સેન્સેક્સ અને નિફ્ટી પણ ગઈકાલે મોટા કડાકા સાથે બંધ રહ્યા બાદ આજે સ્થાનિક સ્તરે લાર્જકેપ  નીચા મથાળે ખરીદી વધતાં બજારમાં સુધારો જોવા મળ્યો છે. સેક્ટોરલ ઈન્ડેક્સમાં આજે ફરી રિયાલ્ટી અને ટેલિકોમ ઈન્ડેક્સમાં ઉછાળો જોવા મળ્યો છે. આઈટી અને ટેક્નોલોજી શેર્સમાં વેલ્યૂ બાઈંગ વધતાં ઈન્ડેક્સ સુધર્યા છે. બીજી તરફ બેન્કિંગ, પીએસયુ, પાવર શેર્સમાં કડાકો નોંધાયો હતો.