સેન્સેક્સ 30 દિવસ બાદ 78000, બેન્કિંગ શેર્સમાં ધૂમ ખરીદી, રોકાણકારોની મૂડી 27.11 લાખ કરોડ વધી

March 24, 2025

શેરબજારમાં આજે ધૂઆંધાર તેજી નોંધાઈ છે. સેન્સેક્સ આજે 30 ટ્રેડિંગ સેશન બાદ ઈન્ટ્રા ડે 78000નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો છે. ગત સપ્તાહથી શરૂ થયેલી તેજીના માહોલમાં રોકાણકારોની મૂડી 27.11 લાખ કરોડ વધી છે. નિફ્ટી પણ ઈન્ટ્રા ડે 23700નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો હતો.

સેન્સેક્સ છ ટ્રેડિંગ સેશનમાં 4055 પોઈન્ટ ઉછળ્યો છે. જે અગાઉ 13 માર્ચના રોજ 73928.91 પર બંધ રહ્યો હતો. આજે 1078.87 પોઈન્ટના ઉછાળા સાથે 77984.38ના લેવલે બંધ રહ્યો હતો. નિફ્ટી 50 આજે 307.95 પોઈન્ટ ઉછળી 23658.35 પર બંધ રહ્યો હતો. છેલ્લા છ ટ્રેડિંગ સેશનથી નોંધાયેલી તેજીના પગલે રોકાણકારોની મૂડીમાં 27.11 લાખ કરોડનો સુધારો થયો છે. આજની તેજીનો શ્રેય બેન્કિંગ શેર્સના શિરે છે. એફઆઈઆઈની ખરીદી સાથે બેન્કિંગ અને ફાઈનાન્સ શેર્સમાં ધૂમ લેવાલી જોવા મળી છે. બીએસઈ બેન્કેક્સ 1471.52 પોઈન્ટના ઉછાળા સાથે બંધ રહ્યો છે. ફેડરલ બેન્ક 4.54 ટકા, કોટક બેન્ક 4.51 ટકા, કેનેરા બેન્ક 4.25 ટકા અને એસબીઆઈ 3.77 ટકા વધ્યો છે. જો કે, હિસાબ ગોટાળાના કેસના લીધે ઈન્ડસઈન્ડ બેન્કનો શેર આજે વધુ 2.42 ટકા તૂટ્યો હતો.

પીએસયુ અને પાવર શેર્સમાં પણ નીચા મથાળે ખરીદી વધી છે. IREDA 9.78 ટકા, રાઈટ્સ 6.68 ટકા, હિન્દુસ્તાન એરોનોટિક્સ 6.20 ટકા  ઉછળ્યો છે. બીએસઈ પીએસયુ ઈન્ડેક્સ 2.84 ટકા (510.08 પોઈન્ટ) ઉછાળા સાથે બંધ રહ્યો હતો. પાવર ઈન્ડેક્સ પણ 2.31 ટકા ઉછાળી 6696.75 પર બંધ રહ્યો હતો.

સ્થાનિક શેરબજારમાં છેલ્લા એકાદ મહિનાથી નોંધાયેલા કરેક્શન બાદ હવે તેજી જોવા મળી છે. જેની પાછળનું કારણ નીચા મથાળે ખરીદી અને એફઆઈઆઈની લેવાલી છે. સરકારના ખર્ચમાં વધારો તેમજ મોનેટરીમાં સુધારાના પગલે બેન્કિંગ, એનબીએફસી, ઓટો, કન્ઝ્યમર ડ્યુરેબલ્સ, રિયલ એસ્ટેટ સહિતના સેક્ટર આઉટપર્ફોર્મર બન્યા છે. આ તેજીના ટ્રેન્ડની સ્થિરતા આગામી સમયમાં રજૂ થનારા પીએમઆઈ ડેટા, Q4 પરિણામ, અને અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફની અસરો પર નિર્ભર રહેશે.