શેરબજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 23500 ક્રોસ, મૂડી 4 લાખ કરોડ વધી

March 24, 2025

શેરબજારમાં સળંગ બીજા સપ્તાહની શરૂઆત સકારાત્મક રહી છે. સેન્સેક્સ આજે 550.76 પોઈન્ટના ઉછાળે ખૂલ્યા બાદ 766.6 પોઈન્ટ સુધી ઉછળ્યો હતો. જે 10.39 વાગ્યે 757.97 પોઈન્ટના ઉછાળે 77663.48 પર ટ્રેડ થઈ રહ્યો હતો. એકંદરે સાર્વત્રિક લેવાલીના માહોલ વચ્ચે રોકાણકારોની મૂડીમાં આજે 4.21 લાખ કરોડનો વધારો થયો છે.

નિફ્ટી50 પણ આકર્ષક સુધારા સાથે આગેકૂચ કરી રહ્યો છે. આજે નિફ્ટી 23500ના મજબૂત તેજીના સપોર્ટ લેવલે ખૂલ્યા બાદ 23583.25ની સપાટીએ પહોંચ્યો હતો. જે 10.41 વાગ્યે 223.80 પોઈન્ટના ઉછાળે 23574.55 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બેન્કિંગ અને ફાઈનાન્સ શેરોમાં નીચા મથાળે ખરીદી વધતાં બેન્ક નિફ્ટી 996 પોઈન્ટના ઉછાળે કારોબાર થઈ રહ્યો હતો.

વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના વાદળો દૂર થઈ રહ્યા છે. આર્થિક ગતિવિધિઓ મજબૂત બની છે. પરિણામે વૈશ્વિક શેરબજારોમાં પણ સુધારો જોવા મળ્યો છે. ભારતનું અર્થતંત્ર પણ વેગવાન બન્યું હોવાના અહેવાલો વચ્ચે છેલ્લા લગભગ એક માસથી ચાલી રહેલી મંદીનો અંત આવ્યો છે. માર્કેટે તેજીનો યુટર્ન લીધો છે.

ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોનું કમબેક થતાં જ સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજીને ટેકો મળ્યો છે. શુક્રવારે એફઆઈઆઈએ રૂ. 7470.36 કરોડનું રોકાણ નોંધાવ્યુ હતું. એફઆઈઆઈના કમબેક સાથે માર્કેટ સેન્ટિમેન્ટ સુધર્યા છે. 

ફેડ રિઝર્વ દ્વારા આ વર્ષે બે વખત રેટ કટ કરવાની જાહેરાત સાથે ડોલર નબળો પડ્યો છે. જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ પણ સુધર્યા છે. પરિણામે ડોલર સામે રૂપિયો 12 પૈસા સુધરી 85.86 પર ટ્રેડ થઈ રહ્યો છે.