મોથાબાડીમાં હિંસક હુમલા, દુકાનો લૂંટી, આગ લગાવી. 57ની ધરપકડ

March 30, 2025

માલદા- પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના મોથાબાડી ગામમાં સાંપ્રદાયિક હુમલા થવાની ઘટનામાં 57 લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ગામમાં ગત સપ્તાહે હિંસક હુમલા, દુકાનો લૂંટવાની તેમજ આગ લગાવવાની ઘટના બની હતી. રાજ્ય પોલીસે કોલકાતા હાઈકોર્ટમાં દાવો કર્યો છે કે, મોથાબાડીમાં સ્થિતિ લગભગ નિયંત્રણમાં છે. જોકે બીજીતરફ વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ પોલીસના દાવાઓને રદીયો આપ્યો છે અને કહ્યું કે, જો સ્થિતિ નિયંત્રણ હોય તો તણાવવાળા સ્થળો પરથી બેરિકેડ્સ કેમ લગાવ્યા છે અને ત્યાં વિપક્ષના નેતાઓ અને મીડિયા કર્મચારીઓને પ્રવેશતા કેમ અટકાવવામાં આવી રહ્યા છે?
શુભેન્દુ અધિકારીએ મોથાબાડીમાં હિંસા મુદ્દે ગત સપ્તાહે રાજ્યપાલ સી.વી.આનંદ બોસને પત્ર લખી વિનંતી કરી છે કે, તેઓ રાજ્ય સરકારને આદેશ આપે કે, જ્યાં સુધી મોથાબાડીમાં સ્થિતિ નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી કેન્દ્રીય સશસ્ત્ર પલીસ દળ (CAPF) તહેનાત કરવામાં આવે. જ્યાં ઘટના બની ત્યાં પહેલેથી જ પોલીસનો કાફલો તહેનાત કરી દેવાયો છે અને બેરિકેટ્સ પણ લગાવી દેવાયા છે, તેથી તેનો હેતુ સંભવતઃ ભાજપ નેતા મજુમદાર અને તેના સમર્થકોને અશાંત વિસ્તારમાં જતા રોકવાનો છે.


જિલ્લા પોલીસ અધિકારીઓએ કહ્યું કે, મોથાબાડીમાં ફરી હિંસા ન થાય તે માટે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. બીજીતરફ પશ્ચિમ બંગાળ ભાજપે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા ઘટનાની તપાસ કરાવાની માંગ કરી છે અને આ સપ્તાહે કોલકાતા હાઈકોર્ટમાં જવાની તૈયારી શરૂ કરી દીધી છે. ઘટના અંગે કોલકાતા હાઈકોર્ટની એક ખંડપીઠે પહેલેથી જ જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા પોલીસ અધિક્ષક પાસે રિપોર્ટ માગ્યો છે કે, મોથાબાડીમાં તણાવ કેવી રીતે ભડકી. હાઈકોર્ટે ત્રણ એપ્રિલ સુધીમાં રિપોર્ટ જમા કરાવવા આદેશ આપ્યો છે.