હરિયાણામાં ઈદની નમાજ બાદ બે જૂથ વચ્ચે અથડામણ, પાંચ ઘાયલ

March 31, 2025

નુહ : હરિયાણાના નુહમાં એક ગામમાં સોમવારે ઈદની નમાજ બાદ એક જ સમુદાયના બે જૂથ વચ્ચે અથડામણ થતાં પાંચથી વધુ લોકો ઘાયલ થયા છે. આજે સવારે નવ વાગ્યે તિરવાડા ગામમાં આવેલી ઈદગાહમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. 


પોલીસે જણાવ્યા અનુસાર, રમઝાન ઈદ નિમિત્તે સવારની નમાજ અદા કરવામાં આવેલા રાશિદ અને સાજિદ નામના બે વ્યક્તિના જૂથ વચ્ચે અંગત અદાવતના કારણે ઝપાઝપી થઈ હતી. માહિતી મળતાં પોલીસ ટીમ તુરંત ગામમાં પહોંચી હતી. અને પરિસ્થિતિને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો. ગામમાં શાંતિ સુનિશ્ચિત કરવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સવારે ઈદગાહમાં નમાજ અદા કર્યા બાદ ઘરે પરત ફરી રહેલા એક જૂથના સભ્યોનો બીજા પક્ષના અમુક લોકો સાથે વિવાદ થયો હતો. ત્યારબાદ બંને જૂથના સભ્યોએ એક-બીજા પર લાઠીઓ વરસાવી મારામારી કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી હિંસા અટકાવી હતી. અને ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા હતા.


પોલીસે જણાવ્યું કે, રાશિદ અને સાજિદના માણસો વચ્ચે વર્ષોથી વિવાદ છે. બંને જૂથોએ અવારનવાર એક-બીજા વિરૂદ્ધ ફરિયાદો નોંધાવી છે. નુહ પોલીસના પ્રવક્તા કૃષ્ણ કુમારે જણાવ્યું કે, જૂની અદાવતમાં તિરવાડા ગામના રાશિદ અને સાજિદના જૂથ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં રાશિદ જૂથના મીરૂ, હાફિઝ, જ્યારે સાજિદ પક્ષમાંથી ખુર્શીદ, આશમીન અને નૂર મોહમ્મદ ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેઓને નજીવી ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.