માઉન્ટ આબુના જંગલોમાં ભીષણ આગ, 100 હેક્ટર વિસ્તાર આગની ઝપેટમાં

March 30, 2025

આબુ- ગરમીની શરૂઆત સાથે જ આગ લાગવાની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે. રાજસ્થાનના માઉન્ટ આબુના જંગલોમાં ભીષણ આગ લાગી છે. જેના પર 25 કલાક બાદ પણ કાબૂ મેળવી શકાયો નથી. હાલ વન વિભાગ અને એરફોર્સ સહિતની ટીમો કામે લાગેલી છે. બીજી તરફ ગુજરાતમાં ભાવનગર જિલ્લાના પાલિતાણામાં હસ્તગિરી ડુંગર પર પણ વિકરાળ આગ લાગી હતી. તો આ સિવાય અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકા વિસ્તારમાં આવેલા ઢેકૂડી ગામ નજીક જંગલમાં ભીષણ આગ લાગી હતી.
રાજસ્થાનના સિરોહી જિલ્લામાં શનિવાર બપોરે અંદાજિત 2 વાગ્યે માઉન્ટ આબૂના છીપાવેરી નજીક ગાઢ જંગલમાં આગ લાગવાની માહિતી મળતા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ શરૂ કર્યા હતા. જણાવી દઈએ કે, 100 હેક્ટર વિસ્તાર આગની ઝપેટમાં આવ્યો છે. માઉન્ટ આબુના જંગલોમાં 800થી વધુ પ્રજાતિના ઔષધીય છોડ, 250 પ્રજાતિના પક્ષીઓ, દીપડા અને 300 જેટલા રીંછ સહિત વિવિધ પ્રકારના જંગલી પ્રાણીઓનું ઘર છે.
આગ પર કાબૂ મેળવવામાં સૌથી મોટી મુશ્કેલી ભારે પવન હતો. હવાના કારણે આગ ઝડપથી ફેલાઈ રહી હતી, જેનાથી વન વિભાગના પ્રયાસોને સફળતા નહોતી મળી રહી. જેના કારણે આગ ધીરે-ધીરએ વધતી ગઈ અને રાત થતા-થતા તેણે વિકરાળ રૂપ લઈ લીધું. આગે જંગલના એક મોટા ભાગમાં વન સંપદાને ભારે નુકસાન પહોંચાડ્યું છે.