જમ્મુ કાશ્મીરમાં દોડશે પ્રથમ વંદે ભારત, PM મોદી આપશે લીલીઝંડી

March 31, 2025

જમ્મુ અને કાશ્મીરની ખીણોમાં પહેલી વંદે ભારત ટ્રેન શરૂ થવા જઈ રહી છે. નવી શરૂ થયેલી જમ્મુ-કટરા-શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19 એપ્રિલના રોજ કટરાથી લીલી ઝંડી આપશે. જે 272 કિલોમીટર લાંબા ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ કનેક્ટિવિટી પ્રોજેક્ટને પૂર્ણ કરશે. ટ્રેન વિશે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે શરૂઆતમાં તે ફક્ત કટરાથી જ ચલાવવામાં આવશે કારણ કે જમ્મુ રેલ્વે સ્ટેશન પર સમારકામ અને નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે.

એકવાર તે તૈયાર થઈ જાય પછી તેનું સંચાલન જમ્મુથી કરવામાં આવશે. રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર રેલ્વે સેફ્ટી કમિશનરે કટરા અને કાશ્મીર વચ્ચે ટ્રેન સેવાને મંજૂરી આપી હતી. આ ટ્રેન સેવા શરૂ થવાથી જમ્મુ અને શ્રીનગર વચ્ચેનો મુસાફરીનો સમય પણ ઘણો ઓછો થશે. એટલું જ નહી વંદે ભારત જેવી આધુનિક રેલ સેવાઓ શરૂ થવાથી પ્રવાસન ક્ષેત્રનો પણ વિકાસ થશે.