વિવાદોમાં ફસાયેલા કોમેડિયન કુણાલ કામરાને મળી રાહત, આગોતરા જામીન મંજૂર

March 31, 2025

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદે મુદ્દે વિવાદોમાં ફસાયેલા કોમેડિયન કુણાલ કામરાને કોર્ટે રાહત આપી છે. કામરાની મદ્રાસ હાઈકોર્ટમાં આગોતરા જામીનની અરજી સ્વીકારી લેવામાં આવી છે. જેથી કામરાની સાત એપ્રિલ સુધી ધરપકડ કરવામાં આવશે નહીં. પોલીસે તેને 31 માર્ચ સુધીમાં હાજર થવા સમન્સ પાઠવ્યા હતા.


જનસુરાજ પાર્ટીના પ્રમુખ પ્રશાંત કિશોર કુણાલના સમર્થનમાં ઉતર્યા છે. તેમણે કુણાલનો પક્ષ લેતાં કહ્યું કે, કુણાલ રાજનીતિ નથી કરતો. કોમેડિયન કુણાલ કામરાએ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમની વિરૂદ્ધ કટાક્ષ કરતી પૅરોડી બનાવ્યા બાદ રાજકારણમાં હોબાળો મચ્યો હતો. શિવસેના, ભાજપ સહિતના પક્ષોએ કામરાની ટીકા કરી હતી. પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. જો કે, કામરાએ માફી માગવાનો ઈનકાર કરતાં વધુ એક પૅરોડી બનાવી સરકાર પર પ્રહાર કર્યા હતા. આટલેથી ન અટકતાં કામરાએ દેશના નાણા મંત્રી નિર્મલા સીતારમણ પર પણ ટીખળ કરી હતી.


પ્રશાંત કિશોરે કહ્યું કે, કામરા રાજનીતિ કરી રહ્યો નથી. તે કોઈ ખોટો ઈરાદો ધરાવતો નથી. જ્યાં સુધી હું કામરાને જાણું છું, તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. તે મારો સારો મિત્ર છે. તેણે અમુક એવી વાતો કહી જેના લીધે વિવાદ થયો. પરંતુ કામરા કોઈ ખોટી ભાવના સાથે બોલ્યો નથી. કુર્ણાલ ઓર્ગેનિક ફાર્મિંગ કરવાની સાથે સ્ટેન્ડઅપ કોમેડી પણ કરે છે. તે રાજકારણમાં કોઈનો હરીફ નથી.