આફ્રિકી દેશોમાં હિંસાનું તાંડવ, કોંગોમાં હથિયારધારી જૂથોના હુમલામાં 20નાં મોત

September 18, 2024

આફ્રિકી દેશોમાં હિંસાની ઘટનાઓ રોકાવાનું નામ નથી લઈ રહી. સતત આ દેશોમાં મોતનું તાંડવ સર્જાઈ રહ્યું છે. નવી ઘટનામાં ઉત્તર-પૂર્વ કોંગોમાં હથિયારધારી જૂથોએ જીવલેણ હુમલો કર્યો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 20 લોકોનાં મોત થયા હતા. આ ઉપરાંત ઘણા લોકો ઈજાગ્રસ્ત થવાની આશંકા છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે, આ હુમલામાં સામાન્ય નાગરિકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. હુમલા પછી બંદૂકધારીઓ ઘટનાસ્થળેથી પલાયન થઈ જતા હોય છે.

ઉલ્લેખનીય છે કે, પૂર્વ કોંગોમાં આશકે એક દાયકાથી સરકારી સુરક્ષાદળો અને 120 હથિયારધારી જૂથો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. બંને પક્ષો વચ્ચેની આ ભયંકર લડાઈમાં હજારો લોકો મોતને ભેટી ચુક્યા છે. પરંતુ અત્યાર સુધી આ હિંસાથી કોઈ શાંતિનો રસ્તો નથી નીકળી શક્યો. મહત્ત્વનું છે કે, હથિયારધારી જૂથો દ્વારા આ વિસ્તારમાં સોના અને બીજા સંશાધનો પર કબ્જો કરવાની લડાઈમાં ઘણીવાર સામાન્ય લોકોને ટાર્ગેટ બનાવી બોમ્બ ફેંકતા હોય છે.

મળતી માહિતી અનુસાર, કો-ઓપરેટિવ ફૉર ધ ડાયવર્ઝન ઑફ કોંગોના લડવૈયાઓએ જુગુ વિસ્તારના ફાતકી ગામમાં હુમલો કરી ઓછામાં ઓછા 20 લોકોની હત્યા કરી દીધી હતી. તેઓએ જણાવ્યું કે, મંગળવારે થયેલા હુમલા દરમિયાન લોકોનાં ઘરમાં આગચંપી કરી અને ઘરવખરી લૂંટી લીધી હતી. હુમલા વખતે ગ્રામજનો પોતાના દૈનિક કાર્યોમાં વ્યસ્ત હતા. પરંતુ તેઓના ઘરમાં આગચંપી કરી દેવાઈ હતી. બાદમાં લોકોની હત્યા નિપજાવી દીધી હતી. આ ઘટનાને લઈ આસસાપના વિસ્તારમાં ભયનો માહોલ છે.