વિવેક રામાસ્વામીનું એલાન- 'ચૂંટણી જીતીશ તો H1B વિઝા કાર્યક્રમનો લાવીશ અંત'

September 17, 2023

રામાસ્વામીએ H-1B વિઝા પ્રોગ્રામને 'ઇન્ડેન્ટર્ડ લેબર' ગણાવ્યો
અમેરિકામાં આવતા વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી છે. આવી સ્થિતિમાં રિપબ્લિકન પાર્ટી તરફથી ઘણા ચહેરા મેદાનમાં છે, જેઓ પોતાની ઉમેદવારી રજૂ કરી રહ્યા છે. જો કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બાદ આ યાદીમાં સૌથી વધુ ચર્ચામાં રહેલું નામ ભારતીય મૂળના અમેરિકન નાગરિક વિવેક રામાસ્વામીનું છે. વિવેક રામાસ્વામી ઘણા વિવાદિત મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કરી રહ્યા છે. તાજેતરમાં FBI ના કર્મચારીઓને છુટા કરવા પર વાત કરી જેના લીધે તે વિવાદમાં જોવા મળ્યા હતા. હવે રામાસ્વામીએ H-1B વિઝા પ્રોગ્રામને 'ઇન્ડેન્ટર્ડ લેબર' ગણાવ્યો છે. તેમણે H-1B વિઝા પ્રોગ્રામને નાબૂદ કરવાની પણ હિમાયત કરી છે.
અહેવાલ મુજબ, રિપબ્લિકન પાર્ટી તરફથી ઉમેદવારી કરી રહેલા વિવેક રામાસ્વામીએ કહ્યું કે આ લોટરી આધારિત સિસ્ટમને ખતમ કરી દેવી જોઈએ. વિવેકે કહ્યું છે કે લોટરી સિસ્ટમને હાલની મેરીટોક્રેટિક એન્ટ્રી સાથે રિપ્લેસ કરી શકાય છે. તેમણે વધુમાં કહ્યું કે જો તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે તો તેઓ H-1B વિઝાની જગ્યાએ મેરીટોક્રેટિક એન્ટ્રી શરૂ કરશે.
અહેવાલ અનુસાર, રામાસ્વામીએ તેમના તાજેતરના નિવેદનમાં જણાવ્યું હતું કે, "H-1B વિઝા પ્રોગ્રામ એ 'ઇન્ડેન્ટર્ડ' નું એક સ્વરૂપ છે જે ફક્ત H-1B ઇમિગ્રન્ટને સ્પોન્સર કરનાર કંપનીને જ ફાયદો કરે છે. હું તેનો અંત લાવીશ.'' તેમણે વધુમાં કહ્યું કે અમેરિકાને ચેઇન બેઝ્ડ માઈગ્રેશન સમાપ્ત કરવાની જરૂર છે. જેઓ પરિવારના સભ્યો તરીકે આવે છે તેઓ લાયકાત ધરાવતા સ્થળાંતર કરનારા લોકો નથી.