યુટ્યુબમાં વીડિયો જોઈ બોટાદમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ

October 01, 2024

 દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી અનેક જગ્યાએ ટ્રેનને ઉથલાવવાના પ્રયાસની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ વધુ એક વખત ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બોટાદના કુંડલી નજીક ટ્રેક પર 4 ફૂટનો લોખંડનો સળિયો મૂકવામાં આવ્યો હતો. જોકે આ સળિયા સાથે ટ્રેન અથડાતા ટ્રેન ઊભી રહી ગઈ હતી, જેથી સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. હાલ આ મામલે બોટાદ પોલીસે રાણપુરના અળવ ગામના બે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ અગાઉ 25 નવેમ્બરના રોજ પણ આ બંને આરોપીએ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો.  રમેશ કાનજીભાઈ સલીયા (ઉ. 55 વર્ષ) અને જયેશ નાગરભાઈ બાવળિયા (ઉં. 24 વર્ષ)એ યુટ્યુબમાં વીડિયો જોઈને ટ્રેન લૂંટવાનું ષડયંત્ર રચ્યું હતું. રમશે અને જયેશે દેવું થઈ જવાના કારણે આ ષડયંત્ર ઘટ્યું હોવાની કબૂલાત આરોપીઓએ કરી હતી. આ સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. બંનેએ ટ્રેનને ઉથલાવી ટ્રેનના ડબ્બામાંથી પેસેન્જર નીચે પડે પછી તેને લૂંટવાના ઈરાદે સમગ્ર પ્લાન બનાવ્યો હતો. 

બોટાદના SPના જણાવ્યા અનુસાર, બોટાદ જિલ્લાના રાણપુર પો.સ્ટે હદમાં ઓખા-ભાવનગર ટ્રેન જતી હતી તે દરમિયાન કોઇએ ટ્રેનના પાટાની વચ્ચે 4 ફૂટનો લોખંડનો સળિયો પાટા વચ્ચે ખોસી દીધો હતો. ટ્રેનના એન્જિન સાથે ટુકડો અથડાતા ટ્રેન ઊભી રહી ગઇ હતી અને અનેક મુસાફરોના જીવ બચી ગયા હતા.