અંકલેશ્વરમાં પહેલા માળ સુધી પાણી પહોંચ્યા, નર્મદા નદીની જળ સપાટી 40 ફૂટને પાર, મુંબઈ-અમદાવાદ વચ્ચેનો ટ્રેન વ્યવહાર પણ બંધ

September 18, 2023

અંકલેશ્વર  : નર્મદા ડેમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે અંકલેશ્વર તાલુકાના અનેક ગામો પાણીમાં ડૂબાણમાં ગયા છે. આજે સવારે નર્મદા નદી 40 ફૂટથી વધારે સપાટીએ વહી રહી છે. ત્યારે અંકલેશ્વર-હાંસોટ, દીવા રોડ પર આવેલી અનેક સોસાયટીમાં પહેલા માળ સુધી નર્મદા નદીના પાણી ફરી વળ્યાં છે. જેના કારણે લોકોના જનજીવનને ભારે અસર પહોંચી છે. વેસ્ટર્ન રેલવે દ્વારા પણ ગત મોડી રાત્રીથી મુંબઈ-અમદાવાદ વચ્ચેનો ટ્રેન વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો છે. નર્મદા નદીમાં આવેલા ઘોડાપુર વચ્ચે ભરૂચ-અંકલેશ્વરને જોડાતા જુના નેશનલ હાઇવે નં.8 વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે.ઉપરવાસમાં વરસેલા વરસાદના કારણે નર્મદા ડેમાંથી છોડવામાં 19 લાખ ક્યુસેક પાણીએ ભરૂચ અને નર્મદા જિલ્લામાં તારાજી સર્જી છે. ભરૂચ જિલ્લાની વાત કરીએ નર્મદા નદી હાલમાં ઐતિહાસિક સપાટી 41 ફૂટે વહી રહી છે. જેથી નર્મદા કિનારે આવેલા ગામો પાણીના ડૂબાણમાં ગયા છે. ત્યારે અંકલેશ્વરના છાપરા, બોરભાઠા બેટ, કાશીયા, સરફૂદીન, ખાલપીયા ગામમાં પાણી ફરી વળ્યાં છે. જ્યારે અંકલેશ્વર-હાંસોટ માર્ગ પર આવેલી અનેક સોસાયટીઓમાં પણ પહેલા માળ સુધી નર્મદા નદીના પાણી પહોંચ્યા છે. જેના કારણે હજારો લોકોના જનજીવન પર અસર પહોંચી છે. જેથી મકાનોમાં ફસાયેલા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે તંત્ર પણ દિવસ-રાત ખડે પગે રહીને લોકોનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડી રહ્યા છે.ભરૂચમાં નર્મદા નદીના જળ સ્તરમાં સતત વધારો નોંધાતા હાલમાં ગોલ્ડન બ્રીજ પાસે નદીની સપાટી તેની ભયજનક સપાટી વટાવીને 16 ઉપર એટલે 40 ફૂટે પહોંચી છે. જેને લઈને વેસ્ટર્ન રેલવેએ ગત રાત્રીના રેલવેના સિલ્વર બ્રિજ પરથી પસાર થતી તમામ ટ્રેનોના વ્યવહારને બંધ કરી ટ્રેનોને સ્ટેશનો પર ઉભી રાખી દેવામાં આવી છે. જેના કારણે અનેક લોકો પ્લેટફોર્મ પર પણ રહેવા મજબૂર બન્યા છે. હાલ મોટાભાગની ટ્રેનોને અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉભી રાખી દેવામાં આવી છે. લગભગ બધી જ ટ્રેનો અંદાજે 10 કલાક જેટલી હાલ લેટ ચાલી રહી છે.