'આપણે મળીને નવું બાંગ્લાદેશ બનાવવું પડશે...', 17 વર્ષ બાદ બાંગ્લાદેશમાં પરત ફરેલા તારિક રહેમાનનું સંબોધન

December 25, 2025

બાંગ્લાદેશમાં અસ્થિરતા વચ્ચે બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)ના કાર્યવાહક અધ્યક્ષ તારિક રહેમાન 17 વર્ષ બાદ લંડનથી બાંગ્લાદેશના ઢાકા પહોંચી ગયા છે, જ્યાં પાર્ટી કાર્યકર્તાઓ અને સમર્થકોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું છે. આ વચ્ચે માહિતી મળી રહી છે કે તેઓ એરપોર્ટથી બહાર નીકળીને સભા સ્થળે પહોંચ્યા. તારિક રહેમાને કહ્યું કે, 'અમે દેશમાં શાંતિ અને સ્થિરતા ઈચ્છીએ છીએ. આપણે નવું બાંગ્લાદેશ બનાવીશું.' તેમના સ્વાગત માટે BNPના 1 લાખથી વધુ કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. ત્યારે, ફેબ્રુઆરી 2026ની ચૂટણી પહેલા તારિક રહેમાનની વાપસીને તેની પાર્ટી મોટી સફળતા માની રહી છે. ધરપકડથી બચવા માટે તેઓ વર્ષ 2008માં લંડન ભાગી ગયા હતા. તે સમયે શેખ હસીનાની સરકારે ભ્રષ્ટાચારના આરોપમાં કાર્યવાહી આદરી હતી.

વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીના મોત બાદથી બાંગ્લાદેશમાં સ્થિતિ બેકાબૂ થઈ રહી છે. બુધવારે ઢાકામાં એક શક્તિશાળી વિસ્ફોટ બાદ બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકી ઉઠી. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું. વિસ્ફોટ બાદ ટોળાએ મોડી રાત્રે ઢાકા યુનિવર્સિટીમાં તોડફોડ કરી, જેને લઈને ડરનો માહોલ સર્જાયો. હુમલાખોર કાજી નજરૂલ ઇસ્લામની કવિતાઓ અને ધાર્મિક નારા લગાવતા ટેબલ-ખુરશી તોડતા રહ્યા.

તારિક રહેમાને ભાષણ આપતા કહ્યું કે, 'તેઓ અલ્લાહનો આભાર વ્યક્ત કરે છે, જેની કૃપાથી તેઓ પોતાની માતૃભૂમિમાં પરત ફરી શક્યા. આ ધરતી છે, જેને 1971માં ભારે બલિદાનો બાદ આઝાદી મળી હતી. આ પ્રકારનું એક આંદોલન 2024માં જોવા મળ્યું, જ્યારે 5 ઓગસ્ટના રોજ લોકોને દેશની સંપ્રભુતાની રક્ષા માટે ઉભા થઈને સંઘર્ષ કર્યો. આજે સમય છે કે આપણે સૌ એકજુટ થઈ જાઈએ. મુસ્લિમ, ઈસાઈ, બૌદ્ધ અને હિંદુ તમામ મળીને અહીં રહીએ. આપણે મળીને એક નવું બાંગ્લાદેશ બનાવવાનું છે.'