ઉ. પ્રદેશમાં 121નો ભોગ લેનારા હાથરસકાંડમાં બાબાને ક્લીનચિટ

July 10, 2024

હાથરસ : ઉત્તર પ્રદેશના હાથરસમાં ભોલે બાબા દ્વારા આયોજીત સત્સંગમાં લાખો લોકો એકઠા થયા હતા, જે દરમિયાન થયેલી ધક્કામુક્કીમાં ૧૨૦થી વધુ લોકો માર્યા ગયા હતા, આ સમગ્ર કાંડની તપાસ કરી રહેલી એસઆઇટીનો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં ભોલે બાબાનો કોઇ ઉલ્લેખ જ નથી. જ્યારે ઉત્તર પ્રદેશ સરકારે એસઆઇટીના રિપોર્ટના આધારે સ્થાનિક એસડીએમ, એક સર્કલ ઓફિસર અને ચાર અન્ય અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. એસઆઇટીની રિપોર્ટમાં સ્થાનિક પ્રશાસન તેમજ સત્સંગનું આયોજન કરનારાઓને આ મોટી જાનહાની બદલ જવાબદાર ઠેરવ્યા હતા. અને કહ્યું હતું કે આયોજકોએ લોકો માટે પુરતી વ્યવસ્થા નહોતી કરી, જ્યારે સ્થાનિક પ્રશાસને આ સમગ્ર કાર્યક્રમને ગંભીરતાથી નહોતો લીધો એટલુ જ નહીં ઉપરી અધિકારીઓને પણ તેની જાણકારી નહોંતી પહોંચાડી. સાથે જ આ સમગ્ર ઘટના પાછળ કોઇ કાવતરુ હોવાની શક્યતાઓને પણ એસઆઇટીએ નકારી નથી અને સમગ્ર મામલે હજુ વધુ તપાસની જરૂર હોવાનું કહ્યું હતું. સરકાર સમક્ષ ૩૦૦ પાનાનો રિપોર્ટ રજુ કરાયો હતો, જોકે તેમાં ક્યાંય પણ સત્સંગનું આયોજન કરનારા સુરજપાલ ઉર્ફે સાકાર વિશ્વ હરિ ઉર્ફે ભોલે બાબાનો કોઇ જ ઉલ્લેખ નથી કરાયો અને પ્રાથમિક તબક્કામાં તપાસના આ રિપોર્ટમાં આ બાબાને ક્લીનચિટ આપી દેવાઇ છે. આ રિપોર્ટ તૈયાર કરતી વખતે ૧૨૫ લોકોના નિવેદનો લેવાયા હતા, જેમાં હાથરસના ડીએમ, એસપી સહિત સત્સંગની અનુમતી આપનારા એસડીએમ અને સીઓનો પણ સમાવેશ થાય છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સત્સંગકર્તાઓ અને લોકોને કોઇ પણ પ્રકારની સુરક્ષાની વ્યવસ્થા વગર એકબીજાને મળવાની છૂટ અપાઇ હતી. કોઇ પણ પ્રકારના બેરિકેડ્સની વ્યવસ્થા પણ નહોતી કરવામાં આવી, ધક્કામુક્કીની ઘટના સમયે જ આયોજકો સ્થળ પરથી ભાગી ગયા હતા.