વેનેઝુએલા પર હુમલાની સાથે જ દુનિયા બે ભાગમાં વહેંચાઈ, કેટલાકનો વિરોધ

January 04, 2026

ન્યુ યોર્ક ઃ અમેરિકા દ્વારા વેનેઝુએલા પર કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહી અને પ્રમુખ નિકોલસ માદુરો તથા તેમના પત્નીની ધરપકડ બાદ વૈશ્વિક રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. દુનિયાની મોટી શક્તિઓ આ મુદ્દે બે સ્પષ્ટ જૂથોમાં વહેંચાઈ ગઈ છે. રશિયા અને ચીન જેવા દેશોએ આને ખુલ્લો હુમલો ગણાવીને આકરી નિંદા કરી છે, જ્યારે કેટલાક દેશોએ અમેરિકાના આ પગલાનું સમર્થન કર્યું છે. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય કાયદા, દેશની સાર્વભૌમત્વ અને સૈન્ય હસ્તક્ષેપને લઈને નવી ચર્ચા છેડી દીધી છે.

- વિરોધ કરનારા દેશો અને નેતાઓ
અમેરિકાના આ પગલાનો સૌથી તીખો વિરોધ રશિયા અને ચીન તરફથી આવ્યો છે.

રશિયા: રશિયાના વિદેશ મંત્રાલયે અમેરિકાને એક સાર્વભૌમ દેશના કાયદેસર રીતે ચૂંટાયેલા પ્રમુખ અને તેમના પત્નીને તાત્કાલિક મુક્ત કરવાની અપીલ કરી છે. રશિયાએ કહ્યું કે કોઈપણ વિવાદનો ઉકેલ માત્ર સંવાદ દ્વારા જ લાવી શકાય છે.

ચીન: ચીને અમેરિકન હવાઈ હુમલાને ‘દાદાગીરીભર્યું પગલું’ ગણાવ્યું અને કહ્યું કે આ આંતરરાષ્ટ્રીય કાયદા અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનું ગંભીર ઉલ્લંઘન છે.

બ્રાઝિલ: બ્રાઝિલના પ્રમુખ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ આ કાર્યવાહીને ‘અસ્વીકાર્ય હદ’ ગણાવી અને કહ્યું કે આ વેનેઝુએલાની સાર્વભૌમત્વ પર ગંભીર હુમલો છે.

મેક્સિકો: મેક્સિકોના પ્રમુખ ક્લાઉડિયા શિનબામે માદુરોની ધરપકડની નિંદા કરી અને કહ્યું કે જો અમેરિકા વેનેઝુએલાનું શાસન પોતાના હાથમાં લેશે તો તેમનું કેબિનેટ સંબંધોની સમીક્ષા કરશે.

- સમર્થન કરનારા દેશો અને નેતાઓ

કેટલાક દેશો અને નેતાઓએ અમેરિકાની આ કાર્યવાહીનું ખુલ્લેઆમ સમર્થન કર્યું છે.

આર્જેન્ટિના: પ્રમુખ જેવિયર મિલેઈએ સોશિયલ મીડિયા પર લખ્યું, 'આઝાદી આગળ વધી રહી છે. આઝાદી ઝિંદાબાદ.'

ઇક્વાડોર: પ્રમુખ ડેનિયલ નોબોઆએ કહ્યું કે 'નાર્કો-ચાવિસ્ટા અપરાધીઓ'નો અંત નજીક છે.

કેનેડા: વડાપ્રધાન માર્ક કાર્નીએ કહ્યું કે તેમની સરકાર વેનેઝુએલાના લોકો માટે લોકશાહી, શાંતિ અને સમૃદ્ધિના અવસરનું સ્વાગત કરે છે.