World Cup 2023: દરેક પીચ પર હશે ઘાસ, બાઉન્ડ્રી પણ 70 મીટરથી વધુ, ICCએ સૂચનાઓ કરી જાહેર

September 20, 2023

World Cup 2023 : ભારતમાં 5 ઓક્ટોબરથી યોજાનાર વનડે વર્લ્ડ કરપ 2023 માટે ICCએ પિચ ક્યુરેટર્સ અને ગ્રાઉન્ડ્સમેનને વિશેષ સૂચનાઓ જારી કરી છે. જેમાં ટોસની અસર ઘટાડવાથી લઈને સ્ટેડિયમની બાઉન્ડ્રી સાઇઝ સુધીની દરેક બાબતોનો સમાવેશ થાય છે. ભારતમાં ઘણી જગ્યાએ ઓક્ટોબર મહિનામાં ઝાકળ પડવાનું શરૂ થઈ જાય છે અને આવી સ્થિતિમાં મેચો પર તેની અસર જોવા મળી શકે છે. ICCએ આ તમામ વસ્તુઓની અસર ઘટાડવા માટે આ સૂચનાઓ જારી કરી છે.  ભારતના 10 સ્ટેડિયમમાં વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે અને મોટાભાગના સ્ટેડિયમની પિચ બેટિંગ માટે અનુકુળ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ઝાકળ પડવાના કારણે ટાર્ગેટનો પીછો કરવામાં સરળતા રહે છે. બીજી તરફ સ્પિનર્સની અસર પણ ઓછી થઇ જાય છે. ICCએ આને લઈને પિચ પર વધુ ઘાસ છોડવાની પણ સલાહ આપી છે. જેથી વર્લ્ડ કપમાં ભાગ લેનાર ટીમોને પોતાના સ્પિનર્સ પર વધુ નિર્ભર રહેવું પડે નહી. સ્ટેડિયમની બાઉન્ડ્રી સાઈઝ પણ 70 મીટરથી વધુ રાખવાની સૂચના આપવામાં આવી છે. નવેમ્બર મહિનામાં દિલ્હી, ધર્મશાલા અને લખનઉમાં રમાનાર વનડે વર્લ્ડ કપની મેચોમાં ઝાકળની અસર જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં આની અસરને ઓછી કરવી ગ્રાઉન્ડ્સમેન માટે સરળ કામ નહી હોય. જો કે ભારતીય ટીમની ઘરેલું મેચો દરમિયાન ઝાકળની સમસ્યાનો સામનો કરવા માટે બીજી ઇનિંગ દરમિયાન સમગ્ર મેદાન પર સ્પ્રે છાંટવામાં આવે છે. ભારતીય ટીમન લીગ સ્ટેજમાં 9 મેચ અલગ અલગ સ્ટેડિયમમાં રમવાની છે અને તેમનાં માટે આ મોટી કસોટી સાબિત થઇ શકે છે.