બિહારના મજૂરો સાથે તમિલનાડુમાં મારપીટનો વીડિયો શેર કરનાર યુટ્યુબરે કર્યું આત્મસમર્પણ

March 18, 2023

તમિલનાડુમાં બિહારીઓ વિરુદ્ધ કથિત હિંસા અને મારપીટ મામલે ભ્રામક વીડિયો પ્રસારિત કરવાના આરોપી બનાવાયેલા યુટ્યુબર મનીષ કશ્યપે આત્મસમર્પણ કરી દીધું છે. તેનું ઘર જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરાયા બાદ મનીષે જગદીશપુર પોલીસ સ્ટેશને સરેન્ડર કર્યું હતું. અહેવાલ અનુસાર મનીષને ઈકોનોમિક ઓફન્સ યુનિટ(ઈઓયુ)ને સોંપવામાં આવી રહ્યો છે. ઈઓયુ જ તેની પૂછપરછ કરશે.  ઉલ્લેખનીય છે કે કોર્ટનો આદેશ મળ્યા બાદ અનેક પોલીસ સ્ટેશનેથી ટીમ કશ્યપના ઘરે તેનું ઘર જપ્ત કરવા પહોંચી હતી. તેના ઘર પર બુલડોઝર પણ ફેરવાયું હતું અને ઘરનું સામાન પણ કબજે લઈ લેવાયું હતું. મનીષ કશ્યપનું ઘર બેતિયાના મઝૌલિયા પોલીસ સ્ટેશન હેઠળ આવતા મહના ડુમરી ગામમાં આવેલ છે. તેની સામે તમિલનાડુ ઉપરાંત બેતિયામાં ૭ ગુનાઇત કેસ દાખલ છે. તેમાંથી ૫ કેસમાં ચાર્જશીટ પણ ફાઈલ થઈ છે. મનીષે પટણા હાઈકોર્ટમાં જામીન માટે અરજી દાખલ કરી હતી. અરજી રદ થયા બાદ તે ફરાર થઈ ગયો હતો. અનેક મામલે પોલીસ તેને શોધી રહી હતી.