પાકિસ્તાન પહોંચેલી ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમના 14 સભ્યો અજાણ્યા વાયરસથી સંક્રમિત

November 30, 2022

મુંબઈ: ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે 1 ડિસેમ્બરના રોજ શરૂ થનારી ટેસ્ટ સીરિઝ પર મોટુ સંકટ આવી ગયું છે. મેચના એક દિવસ પહેલા જ ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ સહિત ટીમના કુલ 14 સભ્યો એક અજાણ્યા વાયરસનો ભોગ બન્યા છે. આ સમાચાર રાવલપિંડીમાં રમાનારી ટેસ્ટ મેચના એક દિવસ પહેલા આવ્યા છે. ખેલાડીઓને આરામ કરવાનું કહેવામાં આવ્યું છે અને હવે ટેસ્ટ મેચ પર સંકટ છે. મળતી માહિતી મુજબ જે 14 સભ્યોને ઈન્ફેક્શન થયું છે તેમાંથી અડધા ખેલાડીઓ અને સ્ટાફના સભ્યો છે. ઈંગ્લેન્ડે 3 ટેસ્ટ મેચની સીરિઝ માટે 15 ખેલાડીઓને પાકિસ્તાન મોકલ્યા છે, તેમાંથી આશરે અડધા ઈન્ફેક્શનો ભોગ બન્યા છે. આવામાં પ્રથમ ટેસ્ટ મેચ કેવી રીતે થશે, તે હજુ સ્પષ્ટ નથી. અહેવાલો અનુસાર ઈંગ્લેન્ડની ટીમની હાલત એટલી ખરાબ થઈ છે કે મેચના એક દિવસ પહેલા પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેવા માટે માત્ર 5 ખેલાડીઓ જ પહોંચી શક્યા હતા અને બાકીના બધા જ બીમાર હતા. ઈંગ્લેન્ડના ખેલાડીઓને કયો વાયરસ થયો છે તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. તે કોરોના અથવા અન્ય કોઈ અજાણ્યો વાયરસ હોઈ શકે છે. 
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં લાંબા સમય બાદ ઈન્ટરનેશલ ક્રિકેટની વાપસી થઈ છે. ઈંગ્લેન્ડ પણ ટેસ્ટ સીરિઝમાં ભાગ લેવા માટે ઘણા દાયકાઓ બાદ પાકિસ્તાન પહોંચ્યું છે. તેથી આ સીરીઝને ઘણી હાઈલાઈટ કરવામાં આવી રહી હતી. આ સીરિઝ માટે ઈંગ્લેન્ડના મોટા પ્લેયર, પૂર્વ ક્રિકેટરો અને કમેન્ટરરો પાકિસ્તાન પહોંચી ગયા છે. ઈંગ્લેન્ડે પણ પ્રથમ ટેસ્ટ માટે તેના પ્લેઈંગ-11ની જાહેરાત કરી દીધી હતી, જેમાં લિયામ લિવિંગસ્ટોન ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. પ્રથમ ટેસ્ટ માટે ઈંગ્લેન્ડના પ્લેઈંગ-11માં જૈક ક્રોલી, બેન ફોક્સ, બેન ડકેટ, લિયામ લિવિંગસ્ટોન, ઓલી પોપ, જેક લીચ, જો રૂટ, ઓલી રોબિન્સન, હેરી બ્રુક, જેમ્સ એન્ડરસન, બેન સ્ટોક્સનો સમાવેશ થાય છે.